બાંગ્લાદેશમાં તા. 17થી 24 નવેમ્બર દરમિયાન યોજાયેલા દ્વિતીય મહિલા કબડ્ડી વર્લ્ડ કપમાં ભારતે રોમાંચક ફાઈનલમાં ચાઇનીઝ તાઈપેને હરાવી વિજય મેળવ્યો હતો. જેમાં પશ્ચિમ રેલ્વેની સોનાલી શિંગટેનો ઝળહળતો દેખાવ પશ્ચિમ રેલ્વે સાથે સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ બની છે.

પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું છે કે, સમગ્ર દેશ માટે ગૌરવની આ ક્ષણ પશ્ચિમ રેલ્વે માટે વિશેષ બની છે, કારણ કે ભારતીય ટીમની રાઇટ રેડર તરીકે પશ્ચિમ રેલ્વેની સોનાલી શિંગટેએ ઉત્તમ પ્રદર્શન કરી જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સોનાલી શિંગટે મુંબઈ સેન્ટ્રલ મંડળમાં ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર તરીકે સેવા આપે છે. પશ્ચિમ રેલ્વેને સોનાલી શિંગટેની સિદ્ધિ પર વિશેષ ગર્વ અનુભવે છે. તેમનો આ પ્રેરણાદાયી દેખાવ માત્ર ભારતીય મહિલા કબડ્ડી ટીમ માટે જ નહીં, પરંતુ પશ્ચિમ રેલ્વે પરિવાર માટે પણ સન્માનની વાત છે. પશ્ચિમ રેલ્વેએ સમગ્ર ભારતીય મહિલા કબડ્ડી ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

