ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી પાંચ મેચની T-20 સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય ટીમ અત્યારે શાનદાર લયમાં છે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે સૌથી ચિંતાનો વિષય કેપ્ટન સૂર્યકુમાર યાદવનું વ્યક્તિગત ફૉર્મ છે. મેચ પહેલા પત્રકારોએ જ્યારે તેમના ખરાબ ફૉર્મ પર સવાલ ઉઠાવ્યા ત્યારે સૂર્યાએ ખૂબ જ પરિપક્વતાથી જવાબ આપ્યો હતો.

‘વ્યક્તિગત રેકોર્ડ માટે કોઈ જગ્યા નથી’
પોતાના ખરાબ ફૉર્મ અંગે વાત કરતા સૂર્યકુમાર યાદવે કહ્યું, ‘જો હું ટેબલ ટેનિસ કે ટેનિસ જેવી કોઈ વ્યક્તિગત રમત રમતો હોત તો ફૉર્મની ચિંતા કરત. પરંતુ આ એક ટીમ ગેમ છે. જો ટીમ જીતે છે તો હું ખુશ છું. જો હું યોગદાન આપી શકું તો સારું છે અને જો ન આપી શકું તો પણ કોઈ વાંધો નહીં. મારે બાકીના 14 ખેલાડીઓ વિશે પણ વિચારવાનું છે. અહીં વ્યક્તિગત રેકોર્ડ માટે કોઈ જગ્યા નથી.’
છેલ્લી 19 ઇનિંગ્સમાં એક પણ ફિફ્ટી નહીં
T-20 સ્પેશિયાલિસ્ટ ગણાતા સૂર્યકુમાર યાદવ માટે છેલ્લો કેટલોક સમય બેટિંગમાં અત્યંત નિરાશાજનક રહ્યો છે, જે આંકડાઓ પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેણે રમેલી છેલ્લી 19 મેચોમાં તે એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નથી અને આ સમયગાળા દરમિયાન તેણે માત્ર 218 રન જ બનાવ્યા છે. સામાન્ય રીતે આક્રમક બેટિંગ માટે જાણીતા સૂર્યાનો સ્ટ્રાઈક રેટ પણ ઘટીને 123ની આસપાસ પહોંચી ગયો છે, જે તેની અસલી ક્ષમતા કરતા ઘણો ઓછો ગણાય. આ દરમિયાન ટીમના હિતમાં તેણે એક મોટો નિર્ણય લેતા તિલક વર્મા જેવા યુવા ખેલાડીને ઉપર રમવાની તક આપવા માટે પોતાની નિયમિત પોઝિશન છોડી છે અને હવે તે ત્રીજા નંબરને બદલે ચોથા નંબર પર બેટિંગ કરી રહ્યો છે.
શ્રેયસ અય્યરની હાજરીથી દબાણ વધ્યું
ટીમમાં શ્રેયસ અય્યર જેવા મજબૂત ખેલાડીની હાજરી સૂર્યા પર દબાણ વધારી રહી છે. અય્યરે આઈપીએલમાં ત્રણ અલગ-અલગ ટીમોને ફાઈનલ સુધી પહોંચાડી છે. જો સૂર્યા રન નહીં બનાવે, તો પ્લેઈંગ ઈલેવનમાં તેના સ્થાન પર સવાલો ઉઠી શકે છે. જોકે, કેપ્ટન તરીકે સૂર્યાનો વિનિંગ રેશિયો 72%થી પણ વધુ છે, જે અત્યાર સુધી તેની નબળી બેટિંગને ઢાંકતો આવ્યો છે.
બંને ટીમની સ્ક્વોડ
ભારત: સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (WK), ઈશાન કિશન, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, શિવમ દૂબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, રિન્કુ સિંહ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા.
ન્યૂઝીલેન્ડ: મિચેલ સેન્ટનર(કેપ્ટન), ડેવોન કોનવે, બેવન જેકબ્સ, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ રોબિન્સન, જીમી નીશમ, ઈશ સોઢી, જેક ફાઉલ્સ, માર્ક ચેપમેન, માઈકલ બ્રેસવેલ, રચિન રવિન્દ્ર, કાયલ જેમીસન, મેટ હેનરી, જેકબ ડફી, ક્રિશ્ચિયન ક્લાર્ક.
