એશિયા કપ 2025 અંતર્ગત 14મી સપ્ટેમ્બરે દુબઈમાં યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી20 ક્રિકેટ મેચ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. ઉર્વશી જૈનના નેતૃત્વમાં કાયદાના ચાર વિદ્યાર્થીઓ દ્વારા આ અરજી દાખલ કરાઈ હતી. જો કે, સુપ્રીમ કોર્ટે ગુરૂવારે (11મી સપ્ટેમ્બર) ભારત-પાકિસ્તાન ટી20 મેચ રદ કરવા મામલે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, ‘મેચ થવા દો, અમે તેને રોકીશું નહીં.’

અરજીમાં શું માગ કરાઈ?
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે, ક્રિકેટને રાષ્ટ્રીય હિતો, નાગરિકોના જીવન કે સશસ્ત્ર દળોના બલિદાનથી ઉપર રાખી શકાય નહીં. આ મેચ સૈનિકો અને શહીદોના પરિવારોની ભાવનાઓનું અપમાન કરશે. આ ઉપરાંત અરજીમાં એવી પણ માગ કરવામાં આવી છે કે રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ, 2025 તાત્કાલિક લાગુ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.
ભારત અને પાકિસ્તાન 14મી સપ્ટેમ્બરે 2025ના એશિયા કપ માટે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આમને-સામને થશે. આ અરજી એડવોકેટ્સ સ્નેહા રાની, અભિષેક વર્મા અને મોહમ્મદ અનસ ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ‘દેશો વચ્ચે ક્રિકેટનો હેતુ સંવાદિતા અને મિત્રતા દર્શાવવાનો છે. પરંતુ પહેલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી, જ્યારે આપણા લોકો માર્યા ગયા અને આપણા સૈનિકોએ બધું દાવ પર લગાવી દીધું, ત્યારે પાકિસ્તાન સાથે રમવાથી વિપરીત સંદેશ જશે કે જ્યારે આપણા સૈનિકો પોતાના જીવનું બલિદાન આપી રહ્યાં છે, ત્યારે આપણે તે જ દેશ સાથે રમતની ઉજવણી કરી રહ્યા છીએ જે આતંકીઓને આશ્રય આપી રહ્યો છે.’

