SPORTS : રોહિત અને ગંભીર વચ્ચે ‘મતભેદ’? ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા અંગે હિટમેનના નિવેદનથી ચર્ચા છંછેડાઈ

0
93
meetarticle

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ એક ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સ સમારોહમાં આપેલા એક નિવેદનથી નવી ચર્ચા છંછેડાઈ છે. રોહિતે આ વર્ષે જીતેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સફળતાનો શ્રેય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને આપવાને બદલે પૂર્વ કોચ રાહુલ દ્રવિડના કાર્યકાળમાં તૈયાર કરેલી પ્લાનિંગ અને માનસિકતાને આપ્યો હતો. જેનાથી રોહિત અને ગંભીર વચ્ચે મતભેદ થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. 

રોહિતની તાજેતરમાં જ કેપ્ટનશિપ છીનવાઈ હતી

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રોહિત શર્માને તાજેતરમાં જ ODI કેપ્ટનશિપ પરથી હટાવવામાં આવ્યા છે અને ગૌતમ ગંભીરને આ નિર્ણયમાં મુખ્ય ભૂમિકા ભજવનાર માનવામાં આવી રહ્યા છે. સમારોહમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ સન્માનિત થયા બાદ રોહિત શર્માએ પોતાના સંબોધનમાં ભારતીય ટીમના સફર પર વાત કરી.

શું કહ્યું રોહિત શર્માએ 

રોહિત શર્માએ કહ્યું હતું કે “મને તે ટીમ બહુ પસંદ છે અને મને તેમની સાથે રમવાનું બહુ ગમ્યું. આ એક લાંબી સફર હતી, માત્ર એક કે બે વર્ષની મહેનત નહીં, પણ ઘણાં વર્ષોની મહેનતનું પરિણામ હતું. અમે ઘણી વખત ટ્રોફી જીતવાની નજીક પહોંચ્યા, પણ જીતી શક્યા નહીં. તેથી અમે નક્કી કર્યું કે કંઈક અલગ કરવાની જરૂર છે. આ માટે દરેક ખેલાડીએ તે વિચારધારા અપનાવવી જરૂરી હતી.” “જે પણ ખેલાડીઓએ તે સ્પર્ધા (ચેમ્પિયન્સ ટ્રોફી)માં ભાગ લીધો હતો, તે બધાએ મેચ જીતવા, પોતાને પડકારવા અને કોઈપણ વસ્તુને હળવાશથી ન લેવા વિશે વિચાર્યું. જ્યારે અમે ટી20 વિશ્વ કપ 2024ની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે આ પ્લાનિંગે મને અને રાહુલ ભાઈ (દ્રવિડ)ને ખૂબ મદદ કરી હતી, અને અમે તેને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ જાળવી રાખી.

નિવેદનથી કેમ થયો વિવાદ?

જ્યારે ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી ત્યારે ટીમનો હેડ કોચનો કાર્યભાર ગૌતમ ગંભીર સંભાળી રહ્યા હતા, જ્યારે રાહુલ દ્રવિડે ટી20 વિશ્વ કપ 2024 બાદ કોચિંગ પદ છોડી દીધું હતું.   રોહિતે ચેમ્પિયન્સ ટ્રોફીની જીતનો શ્રેય સ્પષ્ટપણે રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન બનાવેલી પ્લાનિંગને આપ્યું અને આ સમગ્ર પ્રક્રિયામાં ગૌતમ ગંભીરનું નામ લેવાનું ટાળ્યું. ક્રિકેટ વિશ્લેષકોનું માનવું છે કે ODI કેપ્ટનશીપ છીનવી લેવાયા બાદ રોહિતનું આ નિવેદન ગંભીર તરફ ઇશારો કરતું એક ‘ધારદાર નિશાન’ હોઈ શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here