રોહિત શર્મા T20 ક્રિકેટમાં વાપસીને લઈને ઈચ્છુક છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, રોહિત શર્મા 2025માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના નોકઆઉટ તબક્કામાં રમવા માંગે છે. રોહિતે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જ્યારે હિટમેને ખુદે મુંબઈ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી છે કે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટુર્નામેન્ટમાં રમવા માંગે છે.

રોહિત શર્માની T20માં થશે વાપસી!
મળતી માહિતી મુજબ, રોહિત શર્માએ ભારત વિરૂદ્ધ સાઉથ આફ્રિકા ODI સીરિઝના સમાપન બાદ ભારતીય T20 ઘરેલું ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના નોકઆઉટ સ્ટેજમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તાજેતરમાં, રોહિત અને વિરાટના 50 ઓવરના ફોર્મેટમાં રમાતા વિજય હજારે ટ્રોફીમાં રમવાનો વિષય ચર્ચાઈ રહ્યો છે. વિરાટ અને રોહિત બંને વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે સંમત થયા છે.સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં વિરાટ કોહલી રમવાને લઈને કોઈ અપડેટ નથી, પરંતુ રોહિત શર્મા વિજય હજારે ટ્રોફી શરૂ થાય તે પહેલાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતા જોવા મળી શકે છે. આ નિર્ણય આશ્ચર્યજનક છે, કારણ કે રોહિત લગભગ દોઢ વર્ષથી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે.સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં મુંબઈ ટીમ એલીટ ગ્રુપ-Aમાં હાજર છે, જે અત્યારસુધીમાં 5માંથી 4 મેચ જીતી છે. હાલ મુંબઈ ટીમની કેપ્ટનશીપ શાર્દુલ ઠાકુર કરી રહ્યા છે, જેઓ આ વખતે IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્માની સાથે રમતા જોવા મળશે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈની સ્ક્કાડમાં અજિંક્ય રહાણે, સરફરાજ ખાન અને આયુષ મ્હાત્રે જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. સૂર્યકુમાર યાદવ પણ આ ટુર્નામેન્ટમાં મુંબઈ માટે રમી ચૂક્યા છે.
