ભારતના અનુભવી બેટર અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ પહેલી વનડે દરમિયાન 22 વર્ષીય સ્ટાર ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને ODI ડેબ્યૂ કેપ આપી હતી. નીતિશ પર વિશ્વાસ મુકતાં રોહિતે કહ્યું કે, તેમને 110 ટકા વિશ્વાસ છે કે નીતિશનું વલણ અને મહેનત એક દિવસ તેમને બધા ફોર્મેટમાં એક મહાન ખેલાડી બનાવી દેશે. હિટમેને નીતિશને 260 નંબરની કેપ આપતાં વખતે આ પ્રશંસા કરી હતી.

રોહિત શર્માએ નીતિશ રેડ્ડીની ખૂબ પ્રશંસા કરી
હકીકતમાં નીતિશે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં વિરાટ કોહલી દ્વારા તેમને ટેસ્ટ કેપ સોપવામાં આવી હતી. એ પછી હવે, લગભગ 11 મહિના બાદ તે ફરી એ જ મેદાન પર પાછો ફર્યો અને આ વખતે રોહિત શર્મા પાસેથી તેની ODI ડેબ્યૂ કેપ મેળવી. તેને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની સીરીઝની પહેલી મેચમાં તેને ODI ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી. કેપ નંબર 260, નીતિશ રેડ્ડી
આ દરમિયાન પ્રેઝન્ટેશન વખતે રોહિતે નીતિશની ખૂબ પ્રશંસા કરતા કહ્યું કે, ‘કેપ નંબર 260, નીતિશ રેડ્ડી. તમે તમારા કરિયરની શરૂઆત ખૂબ જ શાનદાર કરી છે અને તેનો શ્રેય તમારા રમવાના અંદાજ અને વિચારોને જાય છે. મને વિશ્વાસ છે કે આ વલણ સાથે તમે આ ટીમ સાથે ખૂબ આગળ વધારશો.’
‘તમે એક દિવસ દરેક ફોર્મેટમાં એક મહાન ખેલાડી બનશો’
રોહિતે વધુમાં આગળ કહ્યું, ‘મને વિશ્વાસ છે કે, તમે એક દિવસ દરેક ફોર્મેટમાં એક મહાન ખેલાડી બનશો. ગઈકાલે તમારા ભાષણમાં તમે કહ્યું હતું કે, તમે દરેક જગ્યાએ રમવા માંગો છો, અને અમે બધા પણ એવું જ ઇચ્છીએ છીએ. ટીમ તમારી સાથે છે અને હંમેશા તમને સપોર્ટ કરશે. જ્યારે પણ તમને કંઈપણની જરૂર હોય ત્યારે અમે તમારી સાથે છીએ. શુભકામનાઓ, તમારા શાનદાર કરિયરની શરૂઆત કરો.’ઉલ્લેખનીય છે કે, નીતીશે તેના ODI ડેબ્યૂમાં 11 બોલમાં અણનમ 19 રન બનાવ્યા. તેની ઇનિંગમાં બે છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેણે 2.1 ઓવર ફેંકી, 16 રન આપ્યા, પરંતુ કોઈ સફળતા મેળવી શક્યો નહીં. મેચની વાત કરીએ તો પર્થ સ્ટેડિયમ ખાતે વરસાદથી પ્રભાવિત મેચમાં ભારતે 26 ઓવરમાં 9 વિકેટે 136 રન બનાવ્યા.
