હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બીજી નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાને હરાવીને દેશ માટે પહેલી ICC ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ ઐતિહાસિક વિજય બાદ ટીમ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. ICCએ લગભગ 40 કરોડ રૂપિયા અને BCCIએ 51 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે, ઉપરાંત વિવિધ નેતાઓ અને પક્ષો દ્વારા પણ ખેલાડીઓ માટે રોકડ ઈનામો જાહેર કરવામાં આવ્યા છે. જો કે, પૂર્વ દિગ્ગજ ક્રિકેટ સુનીલ ગાવસ્કરે આ ખુશી વચ્ચે મહિલા ટીમને એક મહત્ત્વની સલાહ આપી છે. મહિલા ખેલાડીઓના દિલ તૂટે એ પહેલા ગાવસ્કરે પોતાના અનુભવને ટાંકીને જમાવ્યું કે, ‘વચન આપેલા તમામ ઇનામો ન મળે તો નિરાશ થવું નહીં.’
પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું હતું કે, ‘યુવતીઓ માટે ફક્ત એક સલાહ. જો તમને વચન આપેલા ઈનામોમાંથી કેટલાક ન મળે તો નિરાશ ન થાઓ. ભારતમાં જાહેર જીવનમાં રહેલા લોકોનો એક વર્ગ વિજેતા ટીમના ખભા પર મફત પ્રચાર મેળવવાનો પ્રયાસ કરે છે. ભારતમાં જાહેરાતકર્તાઓ, બ્રાન્ડ્સ અને વ્યક્તિઓ ઝડપથી મેદાનમાં કૂદી પડે છે અને વિજેતાઓના ખભા પર મફત પ્રચાર મેળવવાનો પ્રયાસ કરે છે. ટીમને અભિનંદન આપતી આખા પાનાની જાહેરાતો અને હોર્ડિંગ્સ જુઓ.’

સુનીલ ગાવસ્કરે સ્પષ્ટ કર્યું કે, જ્યાં સુધી આ જાહેરાતકર્તાઓ ટીમોના સત્તાવાર પ્રાયોજક ન હોય, બાકીના લોકો માત્ર પોતાની બ્રાન્ડ અથવા પોતાને પ્રમોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને ભારતીય ક્રિકેટને ગૌરવ અપાવનારાઓને ખરેખર કંઈ આપી રહ્યા નથી.
1983ના વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીત પછી સુનીલ ગાવસ્કર અને સાથી ખેલાડીઓને આપેલા અધૂરા વચનોને યાદ કર્યા. તેમણે લખ્ય કે, 1983ની જીત ભારત માટે ક્રિકેટમાં એક નવો અધ્યાય હતો, છતાં ઘણાં વચનો અધૂરા રહ્યા. 1983ની ટીમને પણ ઘણાં વચનો આપવામાં આવ્યા હતા, અને મીડિયાએ તેને વ્યાપક કવરેજ આપ્યું હતું. તેમાંથી લગભગ બધા ક્યારેય પૂરા થયા ન હતા. મીડિયા પણ મોટી જાહેરાતોથી એટલું ખુશ હતું કે તેમને ખ્યાલ નહોતો કે આ બેશરમ લોકો તેમનો પણ ઉપયોગ કરી રહ્યા છે.’
મહિલા ટીમને લઈને સુનીલ ગાવસ્કરે લખ્યું કે, ‘જો આ બેશરમ લોકો તમારી જીતનો ઉપયોગ પોતાને પ્રમોટ કરવા માટે કરી રહ્યા છે, તો યુવતીઓ ચિંતા કરશો નહીં.’ જો કે, ગાવસ્કરને જનતા તરફથી મળેલા પ્રેમ અને હૂંફ પર ગર્વ છે, જેને તે સાચી પ્રશંસા માને છે.

