હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે (બીજી નવેમ્બર) ઈતિહાસ રચતા ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલીવાર ટ્રોફી પોતાના નામે કરી છે. આ ઐતિહાસિક વિજય બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને પ્રોત્સાહન આપવા માટે ICC દ્વારા નિર્ધારિત ઈનામી રકમ કરતાં પણ વધુ રકમની જાહેરાત કરી છે.

BCCIએ ICC કરતા વધુ ઈનામી રકમની જાહેરાત કરી
અહેવાલો અનુસાર, જ્યાં ICCએ વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે 39.55 કરોડ રૂપિયા ઇનામી રકમ નક્કી કરી હતી, ત્યાં BCCIએ તેનાથી પણ મોટી રકમની જાહેરાત કરી છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ, કોચ અને સપોર્ટ સ્ટાફ માટે 51 કરોડ રૂપિયા ઇનામની જાહેરાત કરી છે.
‘મહિલાઓએ નવો યુગ શરૂ કર્યો’: BCCI સચિવ
મીડિયા સાથે વાત કરતા BCCI સચિવ દેવજીત સૈકિયાએ ટીમની સિદ્ધિને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, ‘1983માં કપિલ દેવે ભારતને વર્લ્ડ કપ જીત અપાવીને ક્રિકેટમાં એક નવા યુગ અને પ્રેરણાનો આરંભ કર્યો હતો. આજે મહિલાઓ પણ એ જ ઉત્સાહ અને પ્રેરણા લઈને આવી છે. હરમનપ્રીત કૌર અને તેમની ટીમે આજે માત્ર ટ્રોફી જીતી નથી, પરંતુ તમામ ભારતીયોના દિલ પણ જીતી લીધા છે. તેમણે મહિલા ક્રિકેટરોની આગામી પેઢી માટે માર્ગ મોકળો કર્યો છે.’
તેમણે માહિતી આપી કે BCCIએ મહિલા ઇનામી રકમમાં 300 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. પહેલા ઈનામી રકમ 2.88 મિલિયન ડૉલર હતી, જે વધારીને 14 મિલિયન ડૉલર કરવામાં આવી છે. આ પગલાંથી મહિલા ક્રિકેટને મોટો વેગ મળ્યો છે. BCCIએ જાહેર કર્યું છે કે આ 51 કરોડ રૂપિયાનું ઇનામ સમગ્ર ટીમ – ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે વહેંચવામાં આવશે.

