ભારતીય ટીમનો સુપરસ્ટાર ખેલાડી વિરાટ કોહલી આજે ફરી વિજય હજારે ટ્રોફીમાં છવાયો હતો. આજે બેંગલુરુમાં ગુજરાત અને દિલ્હી વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં દિલ્હી તરફથી રમતો વિરાટ કોહલી સદી ચૂક્યો.

વિરાટ કોહલીની તાબડતોબ બેટિંગ
આજની મેચમાં વિરાટ કોહલીએ ગુજરાત વિરુદ્ધ 61 બોલમાં 77 રન ફટકાર્યા. તેણે 13 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. જોકે વિશાલ જયસ્વાલની ઓવરમાં ઉર્વિલ પટેલે સ્ટંપિંગ કરી વિરાટને આઉટ કર્યો. વિરાટ ક્રિઝ પર આવ્યો ત્યારે દિલ્હીનો સ્કોર માત્ર 2 રન હતા. તે આઉટ થયો ત્યારે સ્કોર 108 રને પહોંચી ગયો. જે બાદ દિલ્હીનો કેપ્ટન રિષભ પંત મેદાને આવ્યો.
પંતે બાજી સંભાળી
રિષભ પંતે આજની મેચમાં 79 બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 70 રન ફટકાર્યા. દિલ્હીએ 50 ઓવરમાં કુલ 254 રન ફટકાર્યા. નોંધનીય છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને ખેલાડીઓની નજર આગામી વનડે વર્લ્ડકપ પર છે. જે માટે તેઓ તૈયારી બતાવવા માટે ઘરેલુ ક્રિકેટ પણ રમી રહ્યા છે. વિજય હજારે ટ્રોફીમાં બંને ખેલાડીઓની ઉમદા બેટિંગ જોઈ ક્રિકેટ ફેન્સ પણ ખુશ છે.

