SPORTS : વિરાટ કોહલીએ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર્યા, ભસ્મ આરતીમાં કુલદીપ યાદવ પણ જોડાયો

0
27
meetarticle

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝના નિર્ણાયક મુકાબલા પહેલા ભારતીય ક્રિકેટરો આધ્યાત્મિક શરણે જોવા મળ્યા છે. રવિવારે ઈન્દોર ખાતે રમાનાર અંતિમ વનડે મેચ પૂર્વે સ્ટાર બેટર વિરાટ કોહલી અને સ્પિનર કુલદીપ યાદવ શનિવારે વહેલી સવારે ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા હતા.

ભસ્મ આરતીમાં લીધો ભાગ

વિરાટ કોહલી અને કુલદીપ યાદવની સાથે ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ પણ હાજર રહ્યા હતા. આ ખેલાડીઓએ વહેલી સવારે થતી વિશ્વપ્રસિદ્ધ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને લગભગ બે કલાક સુધી મંદિરમાં બેસીને ભગવાન મહાકાલની આરાધના કરી હતી. વિરાટ કોહલી નંદી હોલમાં શ્રદ્ધાપૂર્વક બેઠેલો જોવા મળ્યો હતો અને તેણે મહાકાલ મંદિરના ફોટોઝ પણ ક્લિક કર્યા હતા.

ટીમ ઈન્ડિયાના કોચ અને ખેલાડીઓએ પણ લીધા આશીર્વાદ

આ અગાઉ કોચ ગૌતમ ગંભીર, બેટિંગ કોચ સિતાંશુ કોટક અને કેએલ રાહુલ સહિત ટીમના અન્ય સભ્યોએ પણ મહાકાલના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. વિરાટ અને કુલદીપ અવારનવાર ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા હોય છે અને મેચ પહેલા આ મુલાકાતને ટીમ માટે પણ શુભ માનવામાં આવી રહી છે.

વર્લ્ડ કપમાં જીતની પ્રાર્થના

દર્શન બાદ કુલદીપ યાદવે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ‘મહાકાલના દર્શન કરીને ખૂબ જ શાંતિ મળી. અમે પ્રાર્થના કરી છે કે ટીમ સારું પ્રદર્શન કરે. જો બાબાની કૃપા રહી તો આગામી T20 વર્લ્ડ કપમાં પણ ભારત શાનદાર પ્રદર્શન કરશે.’ કુલદીપે રોહિત શર્મા અને વિરાટ કોહલીને ક્રિકેટના લેજેન્ડ ગણાવતા કહ્યું કે, તેમની હાજરીથી ટીમમાં ઉર્જા અને સકારાત્મકતા વધે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here