ટી-20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં પાકિસ્તાને 5 રને રોમાંચક જીત મેળવી છે. જોકે, આ જીત છતાં પાકિસ્તાન માટે સેમીફાઈનલના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે, કારણ કે તેમને શ્રીલંકાને 147 રન પર રોકવાનું હતું જે સમીકરણમાં ટીમ નિષ્ફળ રહી છે.

હાઈ-સ્કોરિંગ ડ્રામા
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 212/8નો મજબૂત સ્કોર ખડક્યો હતો. સાહિબઝાદા ફરહાને ફરી એકવાર શાનદાર બેટિંગ કરી વિરાટ કોહલીનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો હતો. જવાબમાં શ્રીલંકાની ટીમે વળતી લડત આપી હતી અને અંતિમ ઓવર સુધી મેચ જીવંત રાખી હતી, પરંતુ તેઓ 207/6 રન સુધી જ પહોંચી શક્યા હતા.
શાહીન આફ્રિદી અને ઉસ્માન તારિકનો ફ્લોપ શો
પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ મેચ બાદ કબૂલ્યું હતું કે ઝાકળ (Dew) ફેક્ટરને કારણે બોલરોને મુશ્કેલી પડી હતી. ખાસ કરીને સ્પિનર ઉસ્માન તારિક માટે આજનો દિવસ ખરાબ રહ્યો, તેણે 4 ઓવરમાં વિકેટ વગર 43 રન આપ્યા હતા. તો બીજી તરફ પાકિસ્તાનના પ્રીમિયમ ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ પણ નિરાશ કર્યા હતા. શાહીને છેલ્લી ઓવરમાં 22 રન આપ્યા અને કુલ 4 ઓવરમાં 48 રન ખર્ચી માત્ર 1 વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે સલમાન અલી આગા ઉસ્માન તારિકને પોતાનો ટ્રમ્પ કાર્ડ ગણાવતા રહ્યા છે.
કેપ્ટનનો સ્વીકાર – બેટિંગ અને મિડલ ઓર્ડર સમસ્યા
સલમાન અલી આગાએ જણાવ્યું કે સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન ટીમની બેટિંગ ચિંતાનો વિષય રહી છે. સાહિબઝાદા ફરહાનને બીજા છેડેથી યોગ્ય સાથ મળ્યો નથી. કેપ્ટને સ્પષ્ટ કર્યું કે મિડલ ઓર્ડરની સમસ્યા વર્ષોથી ચાલી આવે છે અને હવે તેના પર ગંભીરતાથી કામ કરવાની જરૂર છે. આ વર્લ્ડ કપ બાદ પાકિસ્તાની ટીમમાં મોટા ફેરબદલના સંકેતો પણ મળી રહ્યા છે.શ્રીલંકાની લડત અને હારનું કારણ
શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ હાર માટે મુખ્ય ખેલાડીઓની ઈજાને જવાબદાર ગણાવી હતી. વાનિન્દુ હસરંગા અને મથીશા પથિરાનાની ગેરહાજરી ટીમને ભારે પડી છે. જોકે, તેમણે પવન રત્નાયકે અને દુનિથ વેલાલગે જેવી યુવા પ્રતિભાઓના પ્રદર્શનના વખાણ કર્યા હતા અને ચાહકોની માફી માંગતા મજબૂત વાપસીનો વિશ્વાસ અપાવ્યો હતો.

