ભારતે નવમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ગઈકાલે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાન પોતાની હાર પચાવી રહ્યું નથી. તેના મંત્રીઓ અને ટીમના ખેલાડીઓ ભારત પર બળાપો કાઢી રહ્યા છે. ભારતની જીત પર અભિનંદન પાઠવવા બદલ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પીએમ મોદી પર પ્રહાર કરતું નિવેદન આપ્યું હતું.
પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ક્રિકેટની સંસ્કૃતિ અને ભાવનાને નષ્ટ કરી વડાપ્રધાન મોદીએ શાંતિ અને સમાધાનની સંભાવનાઓ ખતમ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાની કેપ્ટનની આ નિર્લજ્જતાથી ભારત સહિત વિશ્વભરમાં ટીકાઓ થઈ રહી છે.

પીએમ મોદીની આ વાતથી આસિફ નારાજ
પીએમ મોદીની આ પોસ્ટથી ખ્વાજા આસિફ ઉકળ્યા હતા. અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે, ‘મોદી ઉપમહાદ્વિપમાં ક્રિકેટની સંસ્કૃતિ અને લાગણીને નષ્ટ કરી રહ્યા છે. તેઓ શાંતિ અને સમાધાનની સંભાવનાઓને ખતમ કરી રહ્યા છે.’ આ પોસ્ટથી ખ્વાજા આસિફે સંકેત આપ્યો છે કે, તેઓ ભારત સાથે સમાધાન મુદ્દે વાતચીત કરવા માગતા નથી. જો કે, આ પ્રકારનું નિવેદન આપનારા ખ્વાજા એ ભૂલી ગયા છે કે, ભારત સાથે વિવાદની શરૂઆત પાકિસ્તાનના આતંકવાદીઓએ કરી હતી. તેઓ આતંકવાદને સમર્થક આપી રહ્યા હોય તેવો ઈશારો કરી રહ્યા છે.
પાકિસ્તાનની નિર્લજ્જતા
પહલગામ આતંકી હુમલાનો બદલો લેતાં ભારત સરકારે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. જેમાં આતંકવાદીઓના નવ ઠેકાણાં નષ્ટ કર્યા હતાં. પાકિસ્તાન આ નસ્તનાબૂદ થયેલા આતંકી કેમ્પોને ફરી ઉભા કરવા માગે છે. તેણે ખૈબર પખ્તૂનખ્વામાં આતંકી કેમ્પ બનાવવા સહાય આપી હોવાના અહેવાલ છે. તદુપરાંત પાકિસ્તાની ટીમે પોતાની મેચ ફી ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને દાન પેટે આપવાની જાહેરાત કરી છે. જો કે, ઓપરેશન સિંદૂરમાં આતંકીઓને જ ઠાર કરવામાં આવ્યા હતા.
મોહસિન નકવીએ પણ બળાપો કાઢ્યો
ટીમ ઈન્ડિયા દ્વારા એશિયા કપની ટ્રોફી એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન મોહસિન નકવીના હસ્તે લેવાનો ઈનકાર કરતાં તેઓ પણ રોષે ભરાયા છે. તેઓ ટ્રોફી અને મેડલ લઈ પોતાના હોટલ જતાં રહ્યા હતાં. તેમજ X પર પોસ્ટ કરી હતી કે, રમતગમતમાં યુદ્ધને સામેલ કરવુ એ ખેલદિલીની ભાવનાનું અપમાન કરે છે.

