SPORTS : હાર બાદ સૂર્યકુમારે ‘ભૂલ’ સ્વીકારી, ગિલ સહિતના બેટર્સ પર ભડક્યો, કહ્યું-જવાબદારી લેવી પડશે

0
42
meetarticle

દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20I મેચમાં ભારતીય ટીમને 51 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાની ભૂલ સ્વીકારી છે, પરંતુ સાથે જ વાઇસ કેપ્ટન શુભમન ગિલ સહિતના સિનિયર બેટર્સને જવાબદારી લેવા માટે આકરા શબ્દોમાં ટકોર કરી છે. મુલ્લાનપુર ખાતે દક્ષિણ આફ્રિકાએ આપેલા 214 રનના વિશાળ લક્ષ્ય સામે ભારતીય ટીમ 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

સૂર્યા યાદવે ભૂલ સ્વીકારી

ભારતની બેટિંગની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી. શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો, જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ પોતે પણ માત્ર ચાર બોલમાં 5 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. ભારતે 67 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, જેમાંથી ટીમ ક્યારેય ઉભરી શકી નહોતી.કારમી હાર બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, ‘મને લાગે છે કે હું અને શુભમન વધુ સારી શરૂઆત આપી શક્યા હોત, કારણ કે આપણે હંમેશા અભિષેક પર ભરોસો કરી શકતા નથી… શુભમન, હું અને કેટલાક અન્ય બેટરોએ જવાબદારી લેવી જોઈતી હતી. શુભમન પહેલા બોલ પર આઉટ થઈ ગયો. પરંતુ મારે તે જવાબદારી લેવી જોઈતી હતી અને થોડા સમય માટે બેટિંગ કરવી જોઈતી હતી.’
બોલિંગ અને ટોસના નિર્ણય પર પણ સૂર્યાએ કહ્યું કે, ‘મુલ્લાનપુરમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો તેમનો નિર્ણય પણ ખાસ કામ નહોતો આવ્યો. અમે પહેલા બોલિંગ કરી અને અમે કંઈ ખાસ કરી શક્યા નહીં. અમારે વધુ સારી વાપસી કરવી જોઈતી હતી. થોડી ઝાકળ પડી હતી અને અમારી યોજના કામ કરી રહી ન હતી. અમારી પાસે એક અલગ યોજના હોવી જોઈતી હતી.’સૂર્યકુમાર યાદવે આ હારને શીખવાની પ્રક્રિયા ગણાવી અને કહ્યું કે ‘દક્ષિણ આફ્રિકાના બોલરોએ કેવી રીતે બોલિંગ કરી તેમાંથી શીખીને અમે આગામી મેચમાં તેનો અમલ કરવાનો પ્રયાસ કરીશું.’

અક્ષર પટેલના પ્રમોશનનો બચાવ ગૌતમ ગંભીર દ્વારા અક્ષર પટેલને ત્રીજા નંબર પર બેટિંગ માટે મોકલવાના આશ્ચર્યજનક નિર્ણયનો સૂર્યાએ બચાવ કર્યો. તેણે કહ્યું, ‘અમે છેલ્લી મેચમાં વિચાર્યું હતું કે અક્ષર પટેલે લાંબા ફોર્મેટમાં ખૂબ સારી બેટિંગ કરી છે. અને અમે ઇચ્છતા હતા કે તે આજે પણ આવી જ બેટિંગ કરે. કમનસીબે, એવું થયું નહીં. જોકે, તેણે સારી બેટિંગ કરી.’ હવે આ T20 સીરિઝની ત્રીજી અને નિર્ણાયક મેચ રવિવારે ધર્મશાળાના મેદાન પર યોજાશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here