એમએસ ધોની IPL 2026માં છેલ્લીવાર મેદાન પર ખેલાડી તરીકે જોવા મળશે કે કેમ, તે અંગે ફરી એકવાર ચર્ચાઓ તેજ થઈ છે. ધોની પ્રથમ સીઝનથી જ ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) સાથે જોડાયેલો છે અને પોતાની કેપ્ટનશિપમાં ટીમને 5 ખિતાબ અપાવ્યા છે. જોકે, છેલ્લા 4-5 વર્ષથી તેની નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી છે, પરંતુ તેનો સાચો જવાબ માત્ર ધોની પાસે જ છે. આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ધોનીના રિટાયરમેન્ટ અંગે સંકેત આપતા જણાવ્યું હતું કે, ‘હું આ અંગે ધોની સાથે વાત કરીશ, પરંતુ મીડિયાને અત્યારે કંઈ જણાવશે નહીં.’

રમતને પારખવાની અદભૂત ક્ષમતા છતાં નિવૃત્તિની સલાહ
બીજી તરફ, પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાનું માનવું છે કે આ ધોનીની છેલ્લી આઈપીએલ સીઝન હોઈ શકે છે. આનું મુખ્ય કારણ એ છે કે સંજૂ સેમસન હવે CSKમાં જોડાઈ ગયો છે, જેને ધોનીનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. ચેન્નાઈએ ટ્રેડ દ્વારા રવિન્દ્ર જાડેજાને રાજસ્થાન રોયલ્સને આપીને સંજૂ સેમસનને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આકાશ ચોપરાએ જણાવ્યું કે, ધોની પાસે રમતને પારખવાની અદભૂત ક્ષમતા છે, પરંતુ આ સીઝન બાદ તેણે સંન્યાસ લઈ લેવો જોઈએ.
44 વર્ષની વયે ધોનીનો દબદબો, 278 મેચનો અનુભવ
ઉલ્લેખનીય છે કે, એમએસ ધોની હાલ 44 વર્ષનો છે અને તેણે આઈપીએલમાં અત્યાર સુધી 278 મેચ રમીને 5439 રન બનાવ્યા છે. એવી પણ શક્યતા છે કે આઈપીએલ 2026ની મોટાભાગની મેચમાં ધોની ‘ઇમ્પેક્ટ પ્લેયર’ તરીકે મેદાનમાં જોવા મળી શકે છે. સંજૂ સેમસન જેવો મજબૂત વિકલ્પ ટીમ પાસે હોવાથી ધોની માટે હવે નિવૃત્તિનો માર્ગ સરળ બની શકે છે.
