દેશભરના ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ઘરેલુ ક્રિકેટમાં રમવા માટે તૈયાર થઇ ગયો છે. દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) ના સેક્રેટરી અશોક શર્માએ આ અંગે જણાવ્યું કે, ‘વિરાટ કોહલીએ DDCAના પ્રેસિડેન્ટ રોહન જેટલીને જાણકારી આપી છે કે તે વિજય હઝારે ટ્રોફીમાં રમવા માટે તૈયાર છે.’

કોહલી આ તારીખે રમશે ડોમેસ્ટિક
કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલી વિજય હઝારે ટ્રોફીમાં 3 જાન્યુઆરી અને 6 જાન્યુઆરીએ થનારી દિલ્હીની મેચ માટે ઉપલબ્ધ રહેશે. જો વિરાટ આ ટ્રોફીમાં રમવા ઉતરે તો તે 16 વર્ષ પછી આ સીરિઝમાં વાપસી કરશે. છેલ્લે વર્ષ 2009-10ની સિઝનમાં તે આ સીરિઝમાં રમવા ઉતર્યો હતો. નોંધનીય છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) લાંબા સમયથી રોહિત શર્મા અને વિરાટ કોહલીને ઘરેલુ સીરિઝ રમવા માટે કહી રહ્યું હતું, જેથી તેમની 2027માં યોજાનારા વનડે વર્લ્ડ કપની તૈયારીઓ મજબૂત થઈ શકે.
અગાઉ કોહલીએ ના પાડી દીધી હતી!
હકીકતમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, અને હવે તેઓ માત્ર વનડે ફોર્મેટ જ રમે છે. જેને ધ્યાનમાં લઇને BCCIએ બંને સ્ટાર ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાના નિર્દેશ આપ્યા હતા. જો કે, અગાઉ વિરાટ કોહલીએ વિજય હઝારે ટ્રોફીમાં રમવાનો ઇનકાર કરી દીધો હતો.
ટીમના સિલેક્ટર સાથે મુલાકાત
રાંચી વનડે પછી જ્યારે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામેની બીજી વનડે માટે રાયપુર પહોંચી, ત્યારે ટીમ ઇન્ડિયાના સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝાએ વિરાટ કોહલી સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવે છે કે આ મુલાકાત કોહલીની ઘરેલુ સીરિઝમાં ઉપલબ્ધતા અને તેના ભવિષ્યના પ્લાનિંગને લઈને જ હતી.
હાલ લંડનમાં રહે છે કોહલી
વિરાટ કોહલી હાલમાં લંડનમાં રહે છે અને માત્ર વનડે સીરિઝ માટે જ ભારતીય ટીમ સાથે જોડાય છે. કોહલીએ રાંચી વનડે પછી સ્વીકાર્યું હતું કે, તે હવે માત્ર એક જ ફોર્મેટ રમે છે અને તેની તૈયારી લંડનમાં કરે છે. તેણે એમ પણ કહ્યું હતું કે, 37 વર્ષની ઉંમરે તે રિકવરી પર પણ ધ્યાન આપી રહ્યો છે અને તેને રિકવર થવામાં વધુ સમય લાગે છે.

