ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને ચાર વિકેટે હરાવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગયા બાદ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ મેચમાં ભારતીય બેટ્સમેનોનું નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતું.

ભારતીય બેટિંગની નિષ્ફળતા
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 18.4 ઓવરમાં 125 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડના તરખાટ સામે ભારતીય ટોપ ઓર્ડરના બેટ્સમેનો નિષ્ફળ ગયા હતા. હેઝલવુડે ચાર ઓવરમાં 13 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે શુભમન ગિલ (5 રન), કેપ્ટન સૂર્યકુમાર યાદવ (1 રન) અને તિલક વર્મા (0 રન) ને સસ્તામાં આઉટ કર્યા હતા.
અભિષેક અને હર્ષિતની લડાયક બેટિંગ
યુવા બેટ્સમેન અભિષેક શર્માએ 37 બોલમાં 8 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 68 રન નોંધાવી લડાયક બેટિંગ કરી હતી. જ્યારે હર્ષિત રાણાએ પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું, જેના કારણએ ભારતીય ટીમ 125 રન સુધી પહોંચી શકી હતી. છેલ્લા ક્રમે બેટિંગમાં આવેલા હર્ષિતે 33 બોલમાં 35 રન નોંધાવી અભિષેક સાથે છઠ્ઠી વિકેટ માટે મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમને 125ના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.
ઓસ્ટ્રેલિયન ટીમની આક્રમક શરૂઆત
126 રનના નાના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે આક્રમક શરૂઆત કરી હતી. કેપ્ટન મિશેલ માર્શ (46 રન, 26 બોલ) અને ટ્રેવિસ હેડ (28 રન, 15 બોલ) એ ઝડપી રન બનાવ્યા હતા, જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 13.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવી ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
હેઝલવુડ પ્લેયર ઓફ ધ મેચ
ભારત તરફથી સ્પિનર વરુણ ચક્રવર્તીએ 23 રનમાં 2 વિકેટ અને કુલદીપ યાદવે 45 રનમાં 2 વિકેટ તેમજ જસપ્રીત બુમરાહે 26 રનમાં બે વિકેટ ઝડપી. હતી. પોતાની શાનદાર બોલિંગ પ્રદર્શન માટે ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

