SPORTS : IND vs SA : ત્રીજી વનડેમાં રેકોર્ડની વણઝાર, વિરાટથી લઈને રોહિત સુધી 5 બેટરે રચ્યો ઇતિહાસ

0
56
meetarticle

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ (6 ડિસેમ્બર 2025) માં રેકોર્ડ્સની વણઝાર થઈ હતી. ભારતીય ટીમે 271 રનના લક્ષ્યાંકને 39.5 ઓવરમાં 1 વિકેટે હાંસલ કરી શ્રેણીનું સફળતાપૂર્વક સમાપન કર્યું. આ મેચ દરમિયાન યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, ક્વિન્ટન ડી કૉક, વિરાટ કોહલી અને કુલદીપ યાદવ સહિતના પાંચ ખેલાડીઓએ વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી હતી, જે નીચે મુજબ છે:

1. યશસ્વી જયસ્વાલ: તમામ ફોર્મેટમાં સદી ફટકારનાર છઠ્ઠો ભારતીય

યશસ્વી જયસ્વાલે (અણનમ 116) વિશાખાપટ્ટનમમાં સદી ફટકારીને એક ખાસ સિદ્ધિ મેળવી છે. તે ભારતીય ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં (ટેસ્ટ, ODI, T20I) સદી ફટકારનાર છઠ્ઠો ખેલાડી બની ગયો છે. તેના પહેલા આ સિદ્ધિ માત્ર સુરેશ રૈના, રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી અને શુભમન ગિલના નામે નોંધાયેલી હતી.

2. રોહિત શર્મા: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા

રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કરનાર વિશ્વનો 14મો બેટ્સમેન બન્યો છે. તેણે ગઈકાલે તેની ઇનિંગ્સમાં 27મો રન લેતી વખતે આ વિશેષ સિદ્ધિ મેળવી હતી. તેણે 505 આંતરરાષ્ટ્રીય મેચોની 538 ઇનિંગ્સમાં 20,048 રન બનાવ્યા છે. રોહિત શર્મા ODI ફોર્મેટમાં હજી પણ સક્રિય છે.

3. ક્વિન્ટન ડી કૉક: વિકેટકીપર તરીકે સૌથી વધુ ODI સદી

સાઉથ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કૉક વનડે ફોર્મેટમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે સૌથી વધુ સદી ફટકારનાર સંયુક્ત રીતે પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ મામલે તેણે શ્રીલંકાના દિગ્ગજ કુમાર સંગાકારાની બરાબરી કરી છે. આ બંને દિગ્ગજોએ વિકેટકીપર બેટ્સમેન તરીકે 23-23 સદી ફટકારી છે.

વિકેટકીપર-બેટ્સમેન તરીકે સૌથી વધુ ODI સદી:

23 – ક્વિન્ટન ડી કૉક

23 – કુમાર સંગાકારા

19 – શાઇ હોપ

4. વિરાટ કોહલી: સતત 6 ઇનિંગ્સનો અનોખો રેકોર્ડ

વિરાટ કોહલી વનડેની 2 ઇનિંગ્સમાં સતત 2 વખત શૂન્ય પર આઉટ થયા પછીની આગામી 4 ઇનિંગ્સમાં 50+ નો સ્કોર બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રમાયેલી 3 મેચોની ODI શ્રેણીની શરૂઆતની 2 મેચમાં કોહલી શૂન્ય પર આઉટ થયા હતા. ત્યારથી તે પછીની 4 ઇનિંગ્સમાં અણનમ 74, 135, 102 અને અણનમ 65 રનની ઇનિંગ્સ રમી ચૂક્યો છે.

5. કુલદીપ યાદવ: દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ 4 વિકેટ

કુલદીપ યાદવ વનડે ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ વખત 4 વિકેટ ઝડપનાર સંયુક્ત રીતે પ્રથમ બોલર બની ગયો છે. આ મામલે તેણે પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બ્રેટ લીની બરાબરી કરી છે. બ્રેટ લીએ આફ્રિકા સામે 20 ઇનિંગ્સમાં 5 વખત 4 વિકેટ ઝડપી હતી, જ્યારે કુલદીપે માત્ર 16 ઇનિંગ્સમાં જ આ સિદ્ધિ હાંસલ કરી છે.

દક્ષિણ આફ્રિકા સામે ODI માં સૌથી વધુ વખત 4 વિકેટ ઝડપનાર ખેલાડી:

5 – કુલદીપ યાદવ (16 ઇનિંગ્સ)

5 – બ્રેટ લી (20 ઇનિંગ્સ)

5 – વકાર યુનિસ (32 ઇનિંગ્સ)

4- લસિથ મલિંગા (24 ઈનિંગ્સ)  

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here