ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન શુભમન ગિલ ઈજાના કારણે હોસ્પિટલમાં દાખલ છે. જે અંગે BCCIએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. કોલકાતામાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જોકે મેદાન પર જ ઈજાગ્રસ્ત થવાના કારણે શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થયો હતો. જે બાદ રિષભ પંત હવે ટીમનું સુકાન સંભાળી રહ્યો છે.

BCCIનું સત્તાવાર નિવેદન
BCCIએ સમગ્ર મામલે આજે સવારે સત્તાવાર નિવેદન આપતા કહ્યું છે, કે કોલકાતામાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે કેપ્ટન શુભમન ગિલને ગરદનમાં ઈજા પહોંચી. સારવાર માટે તેને હોસ્પિટલ લઈ જવાયો, હાલ તે ત્યાં જ છે. જેના કારણે તે પ્રથમ ટેસ્ટ મેચમાંથી બાહર થઈ ગયો છે. BCCIની મેડિકલ ટીમ ગિલ પર સતત નજર રાખી છે.
જાડેજાએ સાઉથ આફ્રિકાનું ટોપ ઓર્ડર ધ્વસ્ત કર્યું
કોલાકાતા ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમે 189 રન ફટકાર્યા. ટીમ ઈન્ડિયાને માત્ર 30 રનની જ લીડ મળી હતી. જોકે જાડેજાના કારણે બીજી ઈનિંગમાં ભારતીય ટીમે સારું કમબેક કર્યું. જાડેજાએ સાઉથ આફ્રિકાનું ટોપ ઓર્ડર ધ્વસ્ત કરી નાંખ્યું. રવીન્દ્ર જાડેજાએ સૌથી પહેલા એડેન માર્કરમનો શિકાર કર્યો, માર્કરમ ચાર રન બનાવીને આઉટ થયો. તે બાદ એક જ ઓવરમાં જાડેજાએ વિયાન મુલ્ડર અને ટોની ડી જોર્જીને આઉટ કર્યા. જે બાદ જાડેજાએ ટ્રિસ્ટન સ્ટબ્સને બોલ્ડ કરી સફળતા હાંસલ કરી.
આટલું જ નહીં રવીન્દ્ર જાડેજાએ આજે બેટિંગમાં પણ નવો રેકોર્ડ બનાવ્યો. કોલકાતા ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં જ જાડેજાએ 10 રન ફટકારતાં તે દુનિયાનો ચોથો એવો ઓલરાઉન્ડર બન્યો છે જેણે ટેસ્ટ ક્રિકેટમાં 4 હજાર રન અને 300થી વધુ વિકેટ ઝડપી હોય. આ રેકોર્ડની લિસ્ટમાં કપિલદેવ, ઈયાન બોથમ અને ડેનિયલ વિટોરીનું પણ નામ સામેલ છે.

