SPORTS : IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન

0
23
meetarticle

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. IPL 2026ની પ્રથમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હાલમાં ફક્ત પ્રથમ 20 મેચોનું જ શેડ્યૂલ જાહેર કર્યું છે. બાકીની મેચોનું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર જાહેર થાય તેવી શક્યતા છે. 

આગામી IPL સીઝન કેટલાક દિગ્ગજ ખેલાડીઓ માટે છેલ્લી સીઝન સાબિત થઈ શકે છે. આ ખેલાડીઓએ વર્ષો સુધી પોતાની ટીમો માટે શાનદાર પ્રદર્શન કર્યું છે અને લીગને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. પરંતુ હવે ઉંમર, ફિટનેસ અને ટીમ કોમ્બિનેશનના કારણે આ ખેલાડીઓ આગામી સીઝન બાદ IPLમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લઈ શકે છે. ચાલો આવા પાંચ ખેલાડીઓ પર એક નજર કરીએ…

1. મહેન્દ્ર સિંહ ધોની

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPLના સૌથી લોકપ્રિય ખેલાડીઓમાં સામેલ છે. જોકે, તેમની ઉંમર અને ફિટનેસને જોતાં એવું માનવામાં આવી રહ્યું છે કે, IPL 2026નીતેમની છેલ્લી સીઝન હોઈ શકે છે. ધોની જુલાઈ 2026માં 45 વર્ષનો થઈ જશે. છેલ્લી કેટલાક સીઝનમાં ઘૂંટણની સમસ્યા હોવા છતાં, તેમણે ટૂંકી પરંતુ અસરકારક ઈનિંગ્સ સાથે પોતાની ટીમને જીત અપાવી છે. CSKના CEO કાસી વિશ્વનાથને પુષ્ટિ કરી છે કે તે આ આખી સીઝનમાં રમશે, પરંતુ ઘણા ચાહકો માને છે કે આ તેમના માટે ઈમોશનલ ફેરવેલ સીઝન હોઈ શકે છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ CSKએ પોતાના 5 IPL ખિતાબ જીત્યા છે.

2. સુનીલ નરેન

કેરેબિયન બોલિંગ ઓલરાઉન્ડર સુનીલ નરેન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના સૌથી વિશ્વસનીય ખેલાડીઓમાંનો એક રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે તેણે IPLમાં 192 વિકેટ લીધી છે અને તાજેતરના વર્ષોમાં પોતાને એક વિસ્ફોટક ઓપનર તરીકે પણ સાબિત કર્યો છે. આમ જોવા જઈએ તો નરેને બેટથી IPLમાં 1,780 રન બનાવ્યા છે. મે મહિનામાં 38 વર્ષના થવા જઈ રહેલ નરેન પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. હવે, વધતી ઉંમર અને ફિટનેસ પડકારોને કારણે તે IPL 2026 પછી ખેલાડી તરીકે લીગમાંથી વિદાય લઈ શકે છે.

3. ઇશાંત શર્મા

ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્મા IPLમાં કુલ સાત ટીમો માટે રમી ચૂક્યો છે. ઇશાંતનું આંતરરાષ્ટ્રીય કરિયર લગભગ ખતમ થઈ ચૂક્યું છે  અને તે નવેમ્બર 2021થી ટીમ ઈન્ડિયાથી બહાર છે. યુવા ફાસ્ટ બોલરોની વધતી સ્પર્ધા વચ્ચે IPL 2026 તેની છેલ્લી સીઝન બની શકે છે. ઇશાંતે ભારત માટે 105 ટેસ્ટ મેચોમાં 311 વિકેટ ઝડપી હતી અને ટીમની યાદગાર જીતનો હિસ્સો રહ્યો હતો. છેલ્લા બે કે ત્રણ IPLસીઝનમાં ઇશાંતે સપોર્ટ બોલરની ભૂમિકા ભજવી છે. હાલમાં ગુજરાત ટાઈટન્સ (GT)નો હિસ્સો રહેલ ઇશાંત હવે 37 વર્ષનો થઈ ચૂક્યો છે અને તે ટૂંક સમયમાં પોતાની કારકિર્દી અંગે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

4. અજિંક્ય રહાણે

ટેકનિકલી રીતે મજબૂત બેટ્સમેન અજિંક્ય રહાણેએ IPLમાં 5,032 રન બનાવ્યા છે અને છ ટીમો માટે રમી ચૂક્યો છે. 2023ની સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે તેનું શાનદાર પુનરુત્થાન જોવા મળ્યું હતું. બાદમાં તે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયો. ગત વર્ષે તેણે કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ પણ કરી હતી, જ્યાં ટીમ આઠમા સ્થાને રહી હતી. રહાણે આ સીઝનમાં પણ કોલકાતા નાઈટ રાઈડર્સનું નેતૃત્વ કરે તેવી શક્યતા છે. આ સીઝન રહાણેની છેલ્લી સીઝન હોઈ શકે છે, કારણ કે તે જૂનમાં 38 વર્ષનો થશે.

5. મિશેલ સ્ટાર્ક

ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક એવા ખેલાડીઓમાંનો એક છે જેમનું ભવિષ્ય IPL 2026 પછી અનિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. સ્ટાર્કની વિશ્વના સૌથી ખતરનાક ડાબોડી ફાસ્ટ બોલરોમાં ગણતરી થાય છે. 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સની ટાઈટલ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ સ્ટાર્ક દિલ્હી કેપિટલ્સ (DC) માં જોડાયો. 36 વર્ષની ઉંમર અને વ્યસ્ત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શેડ્યૂલને જોતાં તે પોતાનો વર્કલોડ ઘટાડી શકે છે, તેથી IPLમાં ખેલાડી તરીકેની આ તેની છેલ્લી સીઝન હોઈ શકે છે. સ્ટાર્ક પહેલાથી જ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે અને તેનું ફોકસ ટેસ્ટ અને ODI ક્રિકેટ પર છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here