SPORTS : IPLમાં મેચની ટિકિટો મોંઘી થશે, 40% GST લાગુ કરાયો

0
18
meetarticle

 આગામી 26મી માર્ચથી શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ટૂર્નામેન્ટની ટિકિટો પર આ વર્ષથી 40 ટકા GST વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલ દ્વારા 22 સપ્ટેમ્બર, 2025થી આઈપીએલ ટિકિટોની સાથે કસિનો, સટ્ટાબાજી, જુગાર, લોટરી અને ઓનલાઇન ગેમિંગ જેવી પ્રવૃત્તિઓ પર 40 ટકાનો નવો જીએસટી દર લાગુ કરવામાં આવ્યો છે. આ તમામ સેવાઓને હવે એક અલગ ‘હાઈ ટેક્સ કેટેગરી’માં મૂકવામાં આવી છે, જેમાં આઈપીએલ મેચની ટિકિટોનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ટિકિટો પર 28 ટકા જીએસટી લેવામાં આવતો હતો.

ટેક્સ સ્લેબમાં ફેરફારને કારણે સ્ટેડિયમમાં મેચ જોવી હવે મોંઘી બનશે

આઈપીએલની મેચની ટિકિટોને ‘હાઈ ટેક્સ કેટેગરી’માં મૂકવામાં આવતા હવે ચાહકોએ આર્થિક બોજ સહન કરવો પડશે; ઉદાહરણ તરીકે, રૂ. 3000ની મૂળ કિંમત ધરાવતી ટિકિટ માટે હવે રૂ. 4200 ચૂકવવા પડશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચો માટે લેવાતી એન્ટ્રી ફી અને ટિકિટ ચાર્જ જેવી તમામ બાબતો ‘ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ’ હેઠળ ટેક્સેબલ સપ્લાય ગણાય છે. આઈપીએલને લક્ઝરી અને પ્રીમિયમ ક્રિકેટ એન્ટરટેઈનમેન્ટ સર્વિસ માનવામાં આવતી હોવાથી, તેના પરનો જીએસટી દર 28 ટકાથી વધારીને 40 ટકા કરવામાં આવ્યો છે.

લક્ઝરી કેટેગરીને કારણે ટિકિટના મૂળ ભાવ પર ટેક્સનું ભારણ વધ્યું

IPLની મેચોને હવે ખાસ ‘લક્ઝરી ટેક્સ સ્લેબ’ હેઠળ મૂકવામાં આવી છે, જેના કારણે આ ટિકિટો પર વધુ દરે જીએસટી વસૂલવામાં આવશે. જીએસટીના નિયમો અનુસાર, આઈપીએલની ક્રિકેટ મેચોને ‘સ્પોર્ટિંગ ઇવેન્ટમાં પ્રવેશ’ તરીકે એક ટેક્સેબલ સર્વિસ માનવામાં આવે છે. આ જ કારણ છે કે આઈપીએલની મેચ જોવા માટે ખરીદવામાં આવતી ટિકિટ પર ઊંચો જીએસટી લાગુ પડે છે. આ ટેક્સની રકમ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અથવા ટિકિટિંગ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે અને ત્યારબાદ તેને સરકારમાં જમા કરાવવામાં આવે છે.

મનોરંજન અને રમતગમત સેવાઓ પર ટેક્સનું માળખું બદલાયું

આઈપીએલની ટિકિટનું વેચાણ SAC 9996 કેટેગરી હેઠળ આવે છે, જેમાં મનોરંજન(Recreational), સાંસ્કૃતિક(Cultural) અને રમતગમત(Sporting) સેવાઓનો સમાવેશ થાય છે. 22 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવેલા જીએસટીના નવા નિયમો અનુસાર, આઈપીએલની મેચ ટિકિટ પર હવે 40 ટકા જીએસટી લાગુ પડશે. આ ઊંચો દર ખાસ કરીને ‘લક્ઝરી’ અને ‘ડિમેરિટ'(Demerit) સેવાઓ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાં કસિનો અને સટ્ટાબાજી જેવી હાઈ-ટેક્સ પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. જીએસટી દરમાં થયેલા આ ધરખમ વધારાને કારણે આઈપીએલ ટિકિટની અંતિમ વેચાણ કિંમતમાં મોટો ઉછાળો આવશે. 

દેશની વાર્ષિક આવકમાં રમતગમત ક્ષેત્રનો 8% જેટલો નોંધપાત્ર ફાળો

ભારતમાં સ્પોર્ટ્સ માર્કેટ દેશની વાર્ષિક આવકમાં અંદાજે 8 ટકા જેટલો નોંધપાત્ર ફાળો આપે છે. ક્રિકેટ પ્રત્યે લોકોમાં રહેલા જબરદસ્ત ક્રેઝને કારણે, ટિકિટના દરમાં વધારો થવા છતાં તેનું મોટા પાયે વેચાણ થાય છે; એટલું જ નહીં, ઘણીવાર ટિકિટોના કાળાબજાર પણ જોવા મળે છે. જો ટિકિટિંગ વેબસાઇટ્સ અથવા ફ્રેન્ચાઈઝીઓ જીએસટીના નવા નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવશે, તો તેમણે સરકારને ભારે દંડ ચૂકવવો પડી શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here