SPORTS : IPL 2026: સંજુ સેમસન ફ્લોપ અને રવિન્દ્ર જાડેજા હિટ, CSKને એક જ મેચમાં 2.58 કરોડનું નુકસાન!

0
11
meetarticle

IPL 2026માં સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થયો હતો. બધાની નજર યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી પર તો હતી જ, પરંતુ તેની સાથે-સાથે સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજા કેવું પ્રદર્શન કરશે તે અંગે પણ વધુ રુચિ હતી. રાજસ્થાન રોયલ્સે CSK ને એકતરફી અંદાજમાં હરાવી દીધું હતું. પહેલી વાર પીળી જર્સીમાં રમી રહેલ સંજુ ફ્લોપ રહ્યો, પરંતુ જાડેજા ગુલાબી જર્સીમાં પણ હિટ રહ્યો. હવે એક અખબારે પોતાને રિપોર્ટમાં પોતાના ઈમ્પેક્ટ લેજર મોડેલ દ્વારા સમજાવ્યું કે, સંજુના ફ્લોપ થવાથી આ મેચમાં CSKને 1.81 કરોડનું ‘કાલ્પનિક નુકસાન’ થયું છે, જ્યારે જાડેજાની ઈમ્પેક્ટના કારણે રાજસ્થાન રોયલ્સને 77 લાખ રૂપિયાનો ફાયદો થયો છે. આનો અર્થ એ થયો કે CSKને આ એક જ મેચથી આ બંને ખેલાડીઓના કારણે 1.81 કરોડ + 0.77 કરોડ એટલે કે, 2.58 કરોડનું નુકસાન થયું છે.

સંજુ સેમસન અને જાડેજાના પ્રદર્શન પર હતી બધાની નજર

આ સીઝન પહેલા સંજુ રાજસ્થાન રોયલ્સનો અને જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સના પર્યાય તરીકે જાણીતા હતા. આ વખતે સંજુ CSKમાં છે અને  જાડેજા RRમાં છે. બંને ફ્રેન્ચાઈઝીઓએ ટ્રેડિંગ દ્વારા આ દિગ્ગજોની અદલાબદલી કરી હતી. આઈપીએલમાં ટ્રેડિંગ એટલે કે ખેલાડીઓની અદલાબદલી ફક્ત કાગળ પર જ નહીં પરંતુ દરેક મેદાન પર દરેક બોલ અને રન સાથે પોતાની અસર દેખાડે છે. ગત વર્ષે નવેમ્બરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક હાઈ-પ્રોફાઈલ ટ્રેડિંગ ડીલ થઈ હતી. ધાકડ બેટ્સમેન સંજુ સેમસન 18 કરોડ રૂપિયામાં CSKમાં ગયો હતો, જ્યારે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 14 કરોડ રૂપિયાની સુધારેલી ફી સાથે રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો હતો.

IPL 2026માં 30 માર્ચે જ્યારે બંને ખેલાડીઓનો ગુવાહાટીના મેદાનમાં સામનો થયો ત્યારે સ્કોરકાર્ડ કરતાં પણ ઊંડી અસર તેના ‘ઈમ્પેક્ટ લેજર’ એટલે કે મેચની હાર-જીત પર તેમના પ્રદર્શનની અસર પર પડી. ફ્રેન્ચાઈઝીઓ ખેલાડી પર કરોડો રૂપિયા ખર્ચ કરે છે તો એટલા માટે નહીં કે તે ખેલાડી તેમના માટે રન બનાવશે અથવા વિકેટ લેશે, પરંતુ એટલા માટે પાણીની જેમ પૈસા ખર્ચે છે કે ખેલાડી જરૂર પડ્યે પોતાના દમ પર મેચનું પરિણામ પલટી શકે છે.

બંનેની કિંમતના હિસાબે પ્રતિ મેચ ફી ની તુલના

લીગ તબક્કામાં દરેક ટીમ 14-14 મેચ રમશે. ધારો કે સંજુ સેમસન CSK અને રવિન્દ્ર જાડેજા રાજસ્થાનની દરેક લીગ મેચ માટે પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો રહેશે તો સંજુનો પ્રતિ મેચ ખર્ચ તેના 18 કરોડ કિંમતના હિસાબે આશરે લગભગ 1.286 કરોડ રૂપિયા પડશે. રવિન્દ્ર જાડેજા માટે આ 1 કરોડ રૂપિયા પ્રતિ મેચ થશે.

હવે મેચમાં તેમની અપેક્ષિત ભૂમિકાની સાથે-સાથે પ્રદર્શન પર એક નજર કરીએ. ચેન્નાઈ સુપર કિંગ્સને એક એવા ઓપનિંગ બેટ્સમેનની જરૂર હતી જે પાવરપ્લેમાં ટીમને મજબૂતી આપે, ખાસ કરીને ત્યારે જ્યારે એમએસ ધોની ઈજાને કારણે ઉપલબ્ધ નહોતો. આ જરૂરિયાત પૂરી કરવા માટે સંજુ સેમસનને ટીમમાં લાવવામાં આવ્યો. બીજી તરફ રાજસ્થાન રોયલ્સને એક એવા ખેલાડીની જરૂર હતી જે બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરી શકે. જરૂર પડ્યે વિકેટ લઈ શકે અને બેટિંગ કરતી વખતે ટીમ માટે ઉપયોગી ઈનિંગ્સ પણ રમી શકે. તેથી, ટીમે ટ્રેડિંગ ડીલ દ્વારા જાડેજાને સામેલ કર્યો.

CSKની આશા પર પાણી ફરી વળ્યું

સંજુ સેમસન પાસે એવી આશા હતી કે, તે CSKના નબળા ટોપ-ઓર્ડરને સંભાળશે, પરંતુ તે 7 બોલમાં ફક્ત 6 રન જ બનાવી શક્યો. પાવર પ્લેમાં જ્યારે ટીમને ઝડપી શરૂઆતની જરૂર હતી ત્યારે તે સસ્તામાં આઉટ થઈ ગયો. સેમસનને નાન્દ્રે બર્ગર દ્વારા આઉટ કરવામાં આવ્યો ત્યારે CSKનો સ્કોર ફક્ત 14 રન હતો. તેના આઉટ થવાથી CSKની બેટિંગ એટલી દબાણમાં આવી ગઈ કે તે અંત સુધી તેમાંથી બહાર ન નીકળી શકી. ગયા સીઝનમાં ચેન્નાઈની નબળાઈ ઓપનિંગ પાર્ટનરશિપનો અભાવ અને પાવરપ્લેનો લાભ ઉઠાવવામાં અસમર્થતા હતી. સંજુ સેમસનના આવ્યા બાદ એવી આશા હતી કે આ નબળાઈઓ દૂર થશે, પરંતુ IPL 2026 ની પહેલી મેચમાં તો જૂની સમસ્યાઓ હતી એવી જ રહી. 

ઈમ્પેક્ટ લેજર મોડેલથી બંનેના પ્રદર્શનનું વિશ્લેષણ

એક અખબારે પોતાને રિપોર્ટમાં પોતાના ઈમ્પેક્ટ લેજર મોડેલ દ્વારા જણાવ્યું કે સંજુ સેમસનના 7 બોલમાં 6 રનની ઈનિંગની CSKની મેચ પર નેગેટિવ ઈમ્પેક્ટ પડી. અહેવાલ પ્રમાણે સંજુ સેમસનની આ ઈનિંગથી CSKને લગભગ 1.81 કરોડનું નુકસાન થયું છે. CSKએ મેચ માટે સંજુ પર ફક્ત 1.286 કરોડ નો દાવ લગાવ્યો હતો, પરંતુ નેગેટિવ ઈમ્પેક્ટના કારણે  નુકસાન પોણા બે કરોડથી પણ વધુ રહ્યું.

 જાડેજાનું પ્રદર્શન

હવે જો આપણે રવીન્દ્ર જાડેજાના પ્રદર્શન પર નજર કરીએ તો તેણે રાજસ્થાન રોયલ્સ માટે પણ એવું જ કર્યું જેના માટે તે જાણીતો છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ 38 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ દબાણમાં હતી, ત્યારે જાડેજાએ તેને એવો ઝટકો આપ્યો કે તે તેમાંથી બહાર જ નીકળી શકી. સરફરાઝ ખાન અને શિવમ દુબે CSKની ઈનિંગ સંભળી શક્યા હોત, પરંતુ જાડેજાએ બંનેને આઉટ કર્યા. તેણે મેચમાં 3 ઓવર ફેંકી અને 18 રન આપીને 2 મહત્વપૂર્ણ વિકેટ ખેરવી. ઈમ્પેક્ટ લેજર મોડેલ પ્રમાણે જાડેજાએ આ મેચમાં પોતાની 1 કરોડ રૂપિયાની પ્રતિ મેચ ફી ના મુકાબલે રાજસ્થાન રોયલ્સને લગભગ 77 લાખ રૂપિયાનો વધારાનો ફાયદો પહોંચાડ્યો છે.

2.58 કરોડના નુકસાન પાછળનું ગણિત

આ અહેવાલમાં આ જ મોડેલના આધારે  સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજાના પ્રદર્શન અને તેમની ફીની તુલના કરતા જણાવ્યું કે, આ એક મેચથી જ ચેન્નાઈને રાજસ્થાન રોયલ્સના મુકાબલે લગભગ 2.58 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આમાં સંજુ સેમસનના કારણે 1.81 કરોડ રૂપિયા અને RRના જાડેજાના કારણે 77 લાખ રૂપિયા (RRનો ફાયદો, જે CSK માટે નુકસાન છે)નો ઝટકો લાગ્યો. બંનેને ભેગી કરવાથી આ રકમ 2.58 કરોડ રૂપિયા થાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here