IPLમાંથી બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન પર પ્રતિબંધ લગાવ્યા બાદ બાંગ્લાદેશ રોષે ભરાયું છે. બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પરના હુમલાઓને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે, BCCIના દબાણ બાદ મુસ્તફિઝુર રહેમાનને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને ત્યાંની સરકારે આકરા પગલાં લેવાના સંકેત આપ્યા છે.

એક તરફ જ્યાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ICCને T20 વર્લ્ડ કપની મેચો ભારતમાંથી શ્રીલંકામાં શિફ્ટ કરવાની અપીલ કરવાનું છે, તો બીજી તરફ બાંગ્લાદેશ બોર્ડ પોતાના દેશમાં IPLના પ્રસારણ પર રોક લગાવવાનો નિર્ણય પણ કરી શકે છે.
બાંગ્લાદેશ સરકારની આકરી પ્રતિક્રિયા
બાંગ્લાદેશ સરકારના સલાહકાર આસિફ નઝરુલે આ મામલે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. તેમણે 2026 T20 વર્લ્ડ કપમાં પોતાના દેશની મેચોને ભારતમાંથી શ્રીલંકા શિફ્ટ કરવાની માંગ કરી છે. નઝરુલે કહ્યું કે તેમણે બાંગ્લાદેશના સૂચના અને પ્રસારણ મંત્રાલયના સલાહકારને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે કે બાંગ્લાદેશમાં IPLનું પ્રસારણ રોકી દેવામાં આવે.
નઝરુલે કહ્યું, “મેં સૂચના અને પ્રસારણ સલાહકારને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે કે બાંગ્લાદેશમાં IPLનું પ્રસારણ પણ રોકી દેવામાં આવે. અમે કોઈપણ હાલતમાં બાંગ્લાદેશી ક્રિકેટ, ક્રિકેટરો કે ખુદ બાંગ્લાદેશનું કોઈ અપમાન સહન નહીં કરીએ. ગુલામીના દિવસો હવે પૂરા થઈ ગયા છે.”
BCB સત્તાવાર જાણની રાહમાં
એક રિપોર્ટ અનુસાર, BCBના અધિકારીઓ એ વાતથી આશ્ચર્યમાં છે કે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરના ઢાકામાં પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા બાદ પરિસ્થિતિ આટલી નાટકીય રીતે કેવી રીતે બદલાઈ ગઈ.
બાંગ્લાદેશ ક્રિકેટના એક સૂત્રએ નામ ન આપવાની શરતેજણાવ્યું કે, “BCBએ ભારતના બાંગ્લાદેશ પ્રવાસનું શેડ્યૂલ એટલા માટે જાહેર કર્યું હતું કારણ કે સકારાત્મક માહોલ હતો, પરંતુ હવે અમને ભારતીય બોર્ડ પાસેથી સત્તાવાર પુષ્ટિ જોઈએ છે કે મુસ્તફિઝુરનો કોન્ટ્રાક્ટ શા માટે રદ કરવામાં આવ્યો.” સૂત્રએ વધુમાં કહ્યું, “અત્યાર સુધી BCCIએ BCBને સત્તાવાર રીતે કંઈ જણાવ્યું નથી. સત્તાવાર વાતચીત પછી જ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ આગળની કાર્યવાહી નક્કી કરશે.”
ઉલ્લેખનીય છે કે ગત મહિને થયેલી ખેલાડીઓની હરાજીમાં KKRએ ડાબોડી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડમાં ખરીદ્યો હતો, જેમનો બેઝ પ્રાઈઝ ₹2 કરોડ હતો.

