શ્રીલંકાની ટૂર્નામેન્ટમાંથી બાદબાકી થતા જ પાકિસ્તાન માટે સેમીફાઈનલના દરવાજા અધખુલ્લા થયા છે, પરંતુ આ રસ્તો કાંટાળો અને ગણિતના જટિલ સમીકરણોથી ભરેલો છે. ન્યૂઝીલેન્ડની શ્રીલંકા સામેની 61 રને ભવ્ય જીતે પાકિસ્તાનની મુશ્કેલી વધારી દીધી છે, કારણ કે હવે બધું જ ‘જો અને તો’ પર ટકેલું છે.

ન્યૂઝીલેન્ડની જીતે સમીકરણ બદલ્યું
બુધવારે કોલંબોમાં રમાયેલા મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને હરાવીને પોતાના પોઈન્ટ્સ 3 કરી લીધા છે અને નેટ રન રેટ (NRR) +3.050 પર પહોંચાડી દીધો છે. બીજી તરફ પાકિસ્તાન અત્યારે 1 પોઈન્ટ અને -0.461 ના રન રેટ સાથે ત્રીજા સ્થાને છે. હવે પાકિસ્તાન માટે માત્ર જીત પૂરતી નથી, તેને નસીબ અને મોટા માર્જિનની પણ જરૂર પડશે.
સેમીફાઈનલ માટે પાકિસ્તાને શું કરવું પડશે?
પાકિસ્તાન માટે ક્વોલિફાઈ થવા માટે નીચેના સમીકરણો ફેવરમાં હોવા જરૂરી છે
શ્રીલંકા સામે મોટી જીત: પાકિસ્તાને શ્રીલંકાને ઓછામાં ઓછા 70 રનથી હરાવવું પડશે જેથી તેનો નેટ રન રેટ પ્લસમાં આવી શકે.
ઈંગ્લેન્ડની જીત અનિવાર્ય: 27 ફેબ્રુઆરીએ રમાનારી ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની મેચમાં ઈંગ્લેન્ડની જીત થવી પાકિસ્તાન માટે પથ્થરની લકીર સમાન છે. જો ઈંગ્લેન્ડ જીતે તો જ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન બંને 3-3 પોઈન્ટ્સ પર સરખા થશે અને ત્યારબાદ રન રેટ જોવામાં આવશે.
વરસાદ ન પડે: જો ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ વરસાદને કારણે રદ થાય તો ન્યૂઝીલેન્ડ સીધું સેમીફાઈનલમાં પહોંચી જશે અને પાકિસ્તાન મેચ રમ્યા વગર જ બહાર થઈ જશે.
છેલ્લો રસ્તો
પાકિસ્તાનને ફાયદો એ છે કે ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ પહેલા રમાવાની છે. એટલે જ્યારે પાકિસ્તાન 28 ફેબ્રુઆરીએ શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે, ત્યારે તેને ખબર હશે કે તેણે કેટલા ઓવરમાં મેચ જીતવી અથવા કેટલા રનથી હરાવવું જેથી તે ન્યૂઝીલેન્ડના +3.050 રન રેટને પછાડી શકે.

