T20 વર્લ્ડ કપ 2026 ના રોમાંચક ગ્રુપ સ્ટેજનું ઓસ્ટ્રેલિયા અને ઓમાન વચ્ચેની 40મી મેચ સાથે સમાપન થયું છે. ઓસ્ટ્રેલિયાએ ઓમાનને 9 વિકેટે હરાવી આ રાઉન્ડ પર પૂર્ણવિરામ મૂક્યું છે. હવે ફેન્સની નજર 22મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા ‘સુપર-8’ રાઉન્ડ પર છે. ગ્રુપ સ્ટેજના અંતે બેટિંગ અને બોલિંગના આંકડા સામે આવ્યા છે, જેમાં પાકિસ્તાન અને શ્રીલંકાના ખેલાડીઓ ટોચ પર રહ્યા છે.

બેટિંગમાં સાહિબજાદા ફરહાન નંબર-1
પાકિસ્તાનના ઓપનિંગ બેટર સાહિબજાદા ફરહાન ગ્રુપ સ્ટેજમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા. આ વિસ્ફોટક બેટર ચાર મેચમાં 220 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. ગ્રુપ સ્ટેજમાં અન્ય કોઈ બેટર 200 રનનો આંકડો પાર કરી શક્યો ન હતો. શ્રીલંકાના પથુમ નિસાન્કા બીજા ક્રમે આવ્યા, તેમણે ચાર મેચમાં 66.33ની સરેરાશ અને 156.69 ના સ્ટ્રાઇક રેટથી 199 રન બનાવ્યા. નિસાન્કા પણ અત્યાર સુધીમાં એક સદી અને એક અડધી સદી ફટકારી ચૂક્યા છે
ભારતીય બેટર્સમાં ઈશાન કિશન ‘એકલો લડવૈયો’
ટોપ-5 બેટરોની આ યાદીમાં ઈશાન કિશન એકમાત્ર ભારતીય છે. ગ્રુપ સ્ટેજના અંત સુધીમાં, ઈશાન પાંચમા સ્થાને સરકી ગયો. ચાર મેચમાં બે અડધી સદી સાથે, ઈશાન કિશને T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં 176 રન બનાવ્યા. પાકિસ્તાન સામેની મસાલા મુકાબલામાં તેણે 77 રનની ધમાકેદાર ઇનિંગ રમી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો.
T20 વર્લ્ડ કપ 2026 ગ્રુપ સ્ટેજમાં સૌથી વધુ રન બનાવનારા ટોચના 5 બેટર
સાહિબજાદા ફરહાન – 220
પથુમ નિસન્કા – 199
કુસલ મેન્ડિસ – 182
એજન મારક્રમ – 178
ઈશાન કિશન – 176
બોલિંગમાં વરુણ ચક્રવર્તીનો જાદુ
બેટિંગમાં ભલે પાકિસ્તાન આગળ હોય, પરંતુ બોલિંગ વિભાગમાં ભારતના વરુણ ચક્રવર્તીએ પોતાની ફિરકીનો જાદુ ચલાવ્યો છે. વરુણે અત્યાર સુધી શાનદાર લાઈન-લેન્થ સાથે વિકેટો ઝડપી છે અને તે ગ્રુપ સ્ટેજના સફળ બોલરોમાં મોખરે રહ્યો છે.
હવે સુપર-8 ની જંગ
22મી ફેબ્રુઆરીથી ટૂર્નામેન્ટના સૌથી મહત્ત્વના ‘સુપર-8’ રાઉન્ડનો પ્રારંભ થશે. ક્વોલિફાય થયેલી 8 ટીમો હવે સેમીફાઈનલની રેસ માટે એકબીજા સામે ટકરાશે. ભારતીય ચાહકોને આશા છે કે ઈશાન કિશનની સાથે અન્ય ભારતીય બેટર્સ પણ આગામી રાઉન્ડમાં ફોર્મમાં પરત ફરશે.

