ભારતીય ટીમ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2026ની તેની બીજી લીગ મેચ માટે તૈયારી કરી રહી હતી. સાંજે 6 વાગ્યાની આસપાસ ભારતીય ખેલાડીઓ નેટ્સમાં ઉતર્યા હતા. હંમેશની જેમ ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ પહેલા બેટિંગ કરવાની હતી. જેમાં ઈશાન કિશન સૌથી પહેલા નેટ્સમાં જોવા મળ્યો હતો.

બુમરાહના બોલે કિશન બોલ્ડ
અભ્યાસ દરમિયાન ઈશાન શાનદાર ફોર્મમાં જણાતો હતો, પરંતુ ત્યારબાદ જસપ્રીત બુમરાહના એક ‘લેઝર ગાઈડેડ મિસાઈલ’ જેવા યોર્કરે ઈશાન કિશનને ઇજાગ્રસ્ત કર્યો હતો. બુમરાહનો યોર્કર ઈશાનના ડાબા પગમાં વાગ્યો અને તે ફસડાઇ પડ્યો હતો. તત્કાલ તેણે નેટ્સમાં બેટ છોડી અને પેડ ઉતારીને જમીન પર બેસી ગયો હતો. જોકે, ફિઝિયોએ તરત જ તેની તપાસ કરી અને થોડી વાર પછી તે પોતાના પગ પર લંગડાતો જોવા મળ્યો હતો.
ટીમ ઇન્ડિયાની ચિંતા અને રાહત
ભારતીય છાવણી માટે આ ક્ષણ ચિંતાજનક હતી, કારણ કે એક ઓપનર પહેલાથી જ બીમાર છે અને બીજો ફોર્મમાં નથી. જોકે, રાહતની વાત એ રહી કે, ઈશાન થોડી વાર પછી ફરીથી નેટ્સમાં જોવા મળ્યો અને ત્યારબાદ મેદાનની બહાર ગયો.
બુમરાહે મેદાનમાં પરસેવો પાડ્યો
બીજી તરફ, જસપ્રીત બુમરાહે સતત બીજા દિવસે જોરદાર બોલિંગ પ્રેક્ટિસ કરી હતી. બીમારીના કારણે તે અમેરિકા સામેની પ્રથમ મેચ રમી શક્યો નહોતો, પરંતુ ગુરુવારે નામિબિયા સામે તેનું રમવું નિશ્ચિત જણાય છે. રવિવારે કોલંબોમાં પાકિસ્તાન સામે રમાનારી મેચની તૈયારી માટે આ મેચ ખૂબ મહત્વની છે.
સંજુ સેમસનને મળી શકે છે
ખરાબ ફોર્મને કારણે પ્લેઈંગ ઈલેવનની બહાર રહેલા સંજુ સેમસનને અભિષેક શર્માની ગેરહાજરીમાં તક મળી શકે છે. અભિષેક શર્મા પેટમાં ઇન્ફેક્શનને કારણે બે દિવસ હોસ્પિટલમાં હતો. જોકે તેને બુધવારે રજા આપી દેવામાં આવી છે, પણ રિકવરી માટે સમય લાગી શકે તેમ હોવાથી તે નામિબિયા સામેની મેચ ગુમાવી શકે છે. આ જ કારણ હતું કે સંજુ સેમસન નેટ્સમાં બેટિંગ કરવા માટે સૌથી પહેલા આવનારા ખેલાડીઓમાં સામેલ હતો.
