SPORTS : ‘અભિષેક શર્મા- વરુણને પડતા મૂકો..’, T20 વર્લ્ડ કપ ફાઈનલ અગાઉ ગાવસ્કરની ટીમ ઈન્ડિયાને સલાહ

0
24
meetarticle

 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રમાનારી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 વર્લ્ડ કપ ફાઈનલ પૂર્વે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ સુકાની અને દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ભારતીય ટીમ મેનેજમેન્ટને બે મોટા ફેરફાર કરવાની કડક સલાહ આપી છે.

અભિષેક શર્માના ફોર્મ પર સવાલ

સુનીલ ગાવસ્કરે સલાહ આપી છે કે ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા ઓપનર અભિષેક શર્માને ફાઈનલની પ્લેઈંગ-11 માંથી બહાર રાખવો જોઈએ. ગાવસ્કરના મતે, અભિષેક આ આખી ટૂર્નામેન્ટમાં સંઘર્ષ કરતો દેખાયો છે. ખાસ કરીને સ્પિન બોલિંગ સામે તેની નબળાઈ છતી થઈ છે. ટૂર્નામેન્ટની 7 ઇનિંગ્સમાં તેણે માત્ર 89 રન બનાવ્યા છે, જેમાં ત્રણ વખત તે શૂન્ય પર આઉટ થયો છે. સેમિ ફાઈનલમાં પણ તે માત્ર 9 રન બનાવી શક્યો હતો.

ઈશાન કિશન અને રિંકુ સિંહને તક આપવાની ભલામણ

ગાવસ્કરે સૂચવ્યું કે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીરે ફાઈનલ માટે ટીમમાં ફેરફાર કરવા જોઈએ. તેમણે સંજુ સેમસન સાથે ઈશાન કિશનને ઓપનિંગમાં ઉતારવાની અને મિડલ ઓર્ડરમાં રિંકુ સિંહને સામેલ કરવાની વકાલાત કરી છે. ગાવસ્કરનું માનવું છે કે રિંકુ સિંહ જેવા આત્મવિશ્વાસ ધરાવતા ખેલાડીઓ મોટા મેચોમાં પાસા પલટી શકે છે.

બોલિંગ યુનિટમાં ફેરફારની જરૂર

માત્ર બેટિંગ જ નહીં, ગાવસ્કરે બોલિંગમાં પણ ફેરફાર કરવાનું કહ્યું છે. તેમણે મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીના સ્થાને કુલદીપ યાદવને પ્લેઈંગ-11 માં લેવાની સલાહ આપી છે. વરુણ છેલ્લા કેટલાક મેચોમાં ઘણો મોંઘો સાબિત થયો છે. સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે જેકોબ બેથેલે તેની જોરદાર ધોલાઈ કરી હતી, જ્યાં વરુણે માત્ર 13 બોલમાં 42 રન લુટાવ્યા હતા. ગાવસ્કરના મતે અમદાવાદના મોટા મેદાન પર કુલદીપ યાદવ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

સુનીલ ગાવસ્કરના મતે ભારતની સંભવિત પ્લેઈંગ-11:

સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, શિવમ દુબે, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here