એશિયા કપ 2025ની ફાઇનલ બાદ ટ્રોફીને લઈને ચાલી રહેલા વિવાદમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ યુસુફે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસિન નકવીનું સમર્થન કર્યું છે. ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યા બાદ આખો વિવાદ શરૂ થયો હતો.

શું છે સમગ્ર વિવાદ?
એશિયા કપની ફાઇનલ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 5 વિકેટે હરાવી ટ્રોફી જીતી હતી. જોકે, પીસીબીના અધ્યક્ષ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ મેચ બાદ ભારત સામે ઝેર ઓક્યું હોવાથી, સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી અને મેડલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે, ભારતીય ખેલાડીઓ ટ્રોફી વિના જ ઉજવણી કરવા મજબૂર થયા હતા અને નકવી ટ્રોફી પોતાની સાથે લઈ ગયા હતા.
મોહમ્મદ યુસુફે નકવીનો પક્ષ લીધો
અગાઉ સૂર્યકુમાર યાદવ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ટીકાનો સામનો કરી ચૂકેલા મોહમ્મદ યુસુફે આ મામલે મોહસિન નકવીનો પક્ષ લીધો છે. તેમણે કહ્યું, ‘ચેરમેન સર (મોહસિન નકવી) જે કંઈ કરી રહ્યા છે તે બિલકુલ સાચું છે. તેણે સાચો નિર્ણય લીધો છે. ભારતે તે સમયે ટ્રોફી લેવી જોઈતી હતી. ACC અને ICCના નિયમો મુજબ, તે ACC ચીફ તરીકે ત્યાં ઊભા હતા અને ટ્રોફી તેમને સોંપવી જોઈતી હતી.’ટ્રોફી ન લેવાના ભારતીય ખેલાડીઓના નિર્ણય પર યુસુફે આકરા પ્રહાર કરતા કહ્યું, ‘તમે ત્યારે ટ્રોફી લીધી નહીં, તો હવે ઉતાવળ કેમ? જો તમને યાદ આવ્યું કે તમને ટ્રોફી જોઈતી હતી, તો તમારે તેની ઓફિસમાં જઈને તે લેવી જોઈતી હતી.’તેમણે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટાંકીને કહ્યું, ‘તમે મેદાનમાં તમારી ફિલ્મો બનાવવામાં વ્યસ્ત હતા. મેં તમને તે દિવસે પણ કહ્યું હતું કે, આ ફિલ્મ જગતનો નથી. આ એક રમત છે, આ ક્રિકેટ છે; ફિલ્મો અહીં ચાલશે નહીં. ફિલ્મોમાં રીટેક વગેરે હોય છે, પણ હીરો બનવું એ અલગ વાત છે. તમે અહીં એક વાસ્તવિક રમત રમી રહ્યા છો, અને હવે તમે કહી રહ્યા છો કે તમને ટ્રોફી જોઈએ છે.’
હાલમાં ટ્રોફી પીસીબીના કબજામાં છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે, તેના પર સૌની નજર ટકેલી છે.

