એશિયા કપ 2025ની ટ્રોફી વિજેતા ભારતીય ટીમને ટૂંક સમયમાં જ તેની ટ્રોફી મળવાની સંભાવના છે, કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ વચ્ચેનો વિવાદ ઉકેલાઈ ગયો છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ મીડિયા સાથેની વાતચીતમાં આ અંગેની માહિતી આપી હતી.
BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, ‘ICC મીટિંગ દરમિયાન તેમની PCBના ચેરમેન મોહસિન નકવી સાથે સકારાત્મક વાતચીત થઈ હતી. ICC બોર્ડની બેઠક દરમિયાન વરિષ્ઠ અધિકારીની હાજરીમાં મારી અને મોહસિન નકવી વચ્ચે એક અલગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વાતચીત પ્રક્રિયા શરૂ કરવી ખરેખર સારી રહી. બેઠકમાં બંને પક્ષોએ સૌહાર્દપૂર્ણ રીતે ભાગ લીધો હતો.’
આશા વ્યક્ત કરતા દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, ‘બંને પક્ષો શક્ય તેટલી વહેલી તકે આ મુદ્દાને ઉકેલવાનો માર્ગ શોધી કાઢશે. વાતચીત પૂર્ણ થઈ ગઈ છે, અને હવે વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવશે. ટૂંક સમયમાં ઉકેલ શોધી કાઢવામાં આવશે.’

આ વિવાદ એશિયા કપ 2025ની ફાઇનલ મેચ પછી શરૂ થયો હતો. ભારતીય ટીમે ફાઇનલ મેચમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને ટ્રોફી જીતી હતી. વિજય પછી ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે PCBના અધ્યક્ષ મોહસિન નકવી (જેઓ પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે) પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. મોહસિન નકવી સ્ટેજ પર અડગ રહ્યા અને પરિણામે ભારતીય ટીમ ટ્રોફી સ્વીકાર્યા વિના જ હોટેલ પરત ફરી હતી. મોહસિન નકવી ટ્રોફી અને મેડલ પોતાની સાથે લઈ ગયા હતા.
BCCI અને PCBના વડાઓ વચ્ચેની આ સકારાત્મક વાતચીત બાદ ક્રિકેટ ચાહકોને આશા છે કે આ રાજકીય અને વહીવટી વિવાદનો ઝડપથી અંત આવશે અને ભારતીય ટીમને તેની હકદાર ટ્રોફી ટૂંક સમયમાં મળી જશે.

