ક્રિકેટના મેદાન પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીનો લાંબા સમય સુધી દબદબો રહ્યો છે. લાંબો રન-અપ, સ્મૂધ એક્શનની સાથે તોફાની રફ્તાર બ્રેટ લીની બોલિંગમાં ડોડલી કોમ્બિનેશન હતું. પિચ ભલે ગમે તે હોય બ્રેટલીના હાથમાં બોલ આવતા જ તે તેના હાથમાંથી આગના ગોળાની જેમ નીકળતો હતો. જોકે, ક્રિકેટનો આ હીરો પોતાની પર્સનલ લાઈફમાં ખૂબ ઉતાર-ચઢાવમાંથી પસાર થયો. ખાસ કરીને જ્યારે તેના પ્રથમ લગ્ન તૂટ્યા ત્યારે તે આઘાતમાં સરી પડ્યો હતો. તેની લાઈફમાં આ બધુ ત્યારે થયું જ્યારે તે પોતાના કરિયરના પીક પર હતો.

જોકે, સારી વાત એ હતી કે, બ્રેટ લીએ ક્યારેય એ જાહેર નહોતું થવા દીધું કે, તેની પર્સનલ લાઈફમાં શું ચાલી રહ્યું છે. ક્રિકેટ ચાહકોને કદાચ જ ખબર હશે કે, બ્રેટ લી ના પહેલા લગ્ન માત્ર ત્રણ જ વર્ષમાં તૂટી ગયા હતા અને આ લગ્ન કરવા પાછળનું કારણ તેની ક્રિકેટ પ્રત્યેની દીવાનગી હતી. જે ખેલએ બ્રેટ લીને દોલત અને શોહરત અપાવી તે જ ખેલના કારણે તેની પહેલી પત્ની એલિઝાબેથ કેમ્પે તેને ધોખો આપ્યો હતો.
બ્રેટ લીના છૂટાછેડા કેમ થયા હતા?
બ્રેટ લીના પહેલા લગ્ન તૂટવા અંગે અલગ-અલગ સ્ટોરી છે. ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ પ્રમાણે બ્રેટ લીની પહેલી પત્ની એલિઝાબેથનું એક રગ્બી પ્લેયર સાથે અફેર હતું, જેના કારણે તેમના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા પાછળનું કારણ ભલે ગમે તે હોય પરંતુ એ સત્ય છે કે, બ્રેટ લી અને તેની વાઈફ વચ્ચે ક્રિકેટને લઈને જ મતભેદ થયો હતો. કારણ કે, જ્યારે બ્રેટ લીએ એલિઝાબેથ સાથે 2006માં લગ્ન કર્યા હતા, ત્યારે તે પોતાના કરિયરના પીક પર હતો.
તે સમયે ઓસ્ટ્રેલિયા વિશ્વ ક્રિકેટ પર રાજ કરતી હતી
તે સમયે ઓસ્ટ્રેલિયા વિશ્વ ક્રિકેટ પર રાજ કરતી હતી, જેમાં બ્રેટ લીની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હતી. એવું માનવામાં આવે છે કે ઈન્ટરનેશનલ ટૂર અને મેચોને કારણે બ્રેટ લી સતત મહિનાઓ સુધી ઘરથી દૂર રહેતો હતો. આ અંતરે બ્રેટ લી અને એલિઝાબેથ વચ્ચેના સંબંધોમાં તણાવ પેદા કર્યો હતો. બ્રેટ લીના સતત પ્રવાસોના કારણે એલિઝાબેથને પોતાના કરિયર અને પર્સનલ લાઈફ વચ્ચે જાળવી રાખવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી. લગ્ન પછી તેમને એક સુંદર બાળક પણ થયું, જેના કારણે એલિઝાબેથ એકલી પડી ગઈ હતી.
2014માં બ્રેટ લીએ બીજા લગ્ન કર્યા
બ્રેટ લી અને એલિઝાબેથના પુત્રનું નામ પ્રેસ્ટન છે. છૂટાછેડા બાદ બંનેએ સાથે મળીને તેનો ઉછેર કરવાનો નિર્ણય લીધો હતો. ઘણા મીડિયા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, બ્રેટ લીની ક્રિકેટ પ્રત્યેની દીવાનગી અને એલિઝાબેથને સમય ન આપવાના કારણે બંને વચ્ચે વૈચારિક મતભેદો વધી ગયા હતા. આના કારણે તેમણે અલગ થવાનો નિર્ણય લીધો. છૂટાછેડા પછી બ્રેટ લી લગભગ પાંચ વર્ષ સુધી સિંગલ રહ્યો અને વર્ષ 2014માં તેણે લાના એન્ડરસન સાથે બીજા લગ્ન કર્યા.

