ટી-20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં જંગ જામશે. જોકે, આ મેચ પહેલા રન રેટ કે કોમ્બિનેશન કરતા પણ મોટી ચર્ચા ટીમ ઈન્ડિયાની એક એવી નબળાઈની થઈ રહી છે, જેણે આખા વર્લ્ડ કપમાં ભારતીય બેટર્સને ઘૂંટણિયે લાવી દીધા છે. એ નબળાઈ છે – ઓફ સ્પિનર્સ સામે સંઘર્ષ.

આંકડા ચોંકાવનારા છે
આ વર્લ્ડ કપમાં ભારતીય બેટ્સમેનો સ્પિન સામે અત્યાર સુધીમાં કુલ 19 વિકેટ ગુમાવી ચૂક્યા છે, જેમાંથી 12 વિકેટ માત્ર ઓફ સ્પિનરોએ લીધી છે. વિરોધી ટીમોએ ભારતની આ નબળાઈને બરાબરની પકડી પાડી છે. નામિબિયાના ગે રહાર્ડ ઈરાસ્મસથી લઈને સાઉથ આફ્રિકાના એડન માર્કરામ સુધીના બોલરોએ પાવરપ્લેમાં જ ભારતને ઝટકા આપ્યા છે.પાવરપ્લેમાં જ ‘સ્પિન એટેક’થી ભારત બેકફૂટ પર
સામાન્ય રીતે પાવરપ્લેમાં ઝડપી બોલરોનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ ભારત સામે ટીમો હવે ઓફ સ્પિનરથી શરૂઆત કરી રહી છે. અભિષેક શર્મા અને ઈશાન કિશન બંને બે-બે વાર ઓફ સ્પિનનો શિકાર બન્યા છે. સાઉથ આફ્રિકા સામે એડન માર્કરામે પહેલા જ ઓવરમાં ઈશાન કિશનને શૂન્ય રને આઉટ કરીને ભારતને મોટો સંદેશ આપ્યો હતો. પાકિસ્તાનના સલમાન આગા અને નેધરલેન્ડના આર્યન દત્તે પણ નવી બોલથી ભારતના ટોપ ઓર્ડરને જકડી રાખ્યો હતો.

ગંભીર અને કોટકનો માસ્ટર પ્લાન
બેટિંગ કોચ સિતાંશુ કોટકે સ્વીકાર્યું છે કે વિરોધી ટીમો ઓફ સ્ટમ્પની બહાર અને ઓફ સ્પિનનો રણનીતિક ઉપયોગ કરી રહી છે. નેટ્સમાં સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ સ્પિન સામે લાંબો સમય પ્રેક્ટિસ કરી છે. ખાસ કરીને ચેન્નાઈની પીચ પર જ્યાં સામાન્ય રીતે સ્પિનરોને મદદ મળે છે, ત્યાં ભારત માટે આ પડકાર બેવડો થઈ જાય છે.
શું સંજુ સેમસનને મળશે તક?
ભારતનો ટોપ-3 ઓર્ડર હાલમાં ડાબોડી બેટ્સમેનોથી ભરેલો છે (અભિષેક, ઈશાન અને તિલક), જેના કારણે વિરોધી ઓફ સ્પિનરોને સીધો ફાયદો (Match-up) મળે છે. આ સ્થિતિમાં જમણોડી બેટ્સમેન તરીકે સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની ચર્ચાઓ તેજ બની છે. સેમસને નેટ્સમાં બેટિંગ અને વિકેટકીપિંગની સઘન પ્રેક્ટિસ કરી છે.
ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા તૈયાર
ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર સિકંદર રઝાના હાથમાં ઈજા હોવા છતાં, તે ભારતની આ નબળાઈ પર પ્રહાર કરવા તૈયાર છે. રયાન બર્લે પણ સ્પષ્ટ કર્યું છે કે તેમની ટીમ ભારતની સ્પિન સામેની મુશ્કેલીઓનો ફાયદો ઉઠાવવા માટે તૈયાર છે.

