આઈપીએલ-2026ની સીઝન શરૂ થાય તે પહેલા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગીલે ટીમનો ટાર્ગેટ સ્પષ્ટ કરી દીધો છે. ગુરુવારે અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગીલે વ્યક્તિગત દેખાવ અને ટ્રોફી જીતવા સહિતની યોજના મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

અમે કોઈ એક મેચમાં 300-350 રન ફટકારવાના મોહમાં નથી : ગિલ
ટીમની બેટિંગ વિશે વાત કરતા શુભમન ગીલે કહ્યું કે, ‘અંતે તો તમારે સામી ટીમ કરતા વધુ રન બનાવવાના હોય છે. પછી તે ભલે 4 રન હોય કે 150-200 રન, અમારો ટાર્ગેટ માત્ર જીતવાનો છે. અમે કોઈ એક મેચમાં 300-350 રન ફટકારવાના મોહમાં નથી. અમે એવી ટીમ બનવા માંગીએ છીએ જે સતત મોટા સ્કોર બનાવે અને ટાર્ગેટ પાર પાડવાના લક્ષ્યને હાંસલ કરે.’
‘અમે દરેક પરિસ્થિતિમાં મેચ જીતવા માંગીએ છીએ’
ગુજરાત ટાઈટન્સ માત્ર અનુકૂળ વિકેટ પર જ નહીં પરંતુ તમામ સ્થિતિમાં જીતવા માંગે છે. આ અંગે ગીલે કહ્યું કે, ‘અમે અલગ-અલગ પરિસ્થિતિઓમાં મેચ જીતવા માંગીએ છીએ. અમે એવી ટીમ બનવા નથી માંગતા જે માત્ર સારી વિકેટ પર જ સારું પ્રદર્શન કરે.’ કોચ આશિષ નેહરાએ પણ આ વાતને ટેકો આપતા કહ્યું કે ટીમ હોમ ગ્રાઉન્ડ હોય કે બહાર, દરેક સ્થિતિમાં લડાયક રહેવા તૈયાર છે.
તો ફરીથી ટ્રોફી જીતી શકીશું’
પોતાના વ્યક્તિગત પ્રદર્શન વિશે પૂછવામાં આવતા ગીલે કહ્યું કે, ‘હું એવો વ્યક્તિ નથી જે વ્યક્તિગત લક્ષ્યો પર વધુ ધ્યાન આપે. હું દેશ માટે રમું કે ગુજરાત ટાઈટન્સ માટે, મારો હેતુ ટીમની જીતનો જ હોય છે. મારો વ્યક્તિગત ગોલ ત્યાંથી જ શરૂ થાય છે અને ત્યાં જ પૂરો થાય છે. છેલ્લી ત્રણ-ચાર સીઝનથી મારું અને ટીમનું પ્રદર્શન સારું રહ્યું છે. જો અમે આ જાળવી રાખીશું તો ફરીથી ટ્રોફી જીતી શકીશું.’
નેહરાએ મિડલ ઓર્ડર બેટરોનો બચાવ કર્યો
આ દરમિયાન કોચ આશિષ નેહરાએ કહ્યું કે, ‘ઉપરના ક્રમના ત્રણ બેટ્સમેનોએ એટલા બધા રન બનાવ્યા હતા કે મિડલ ઓર્ડરને રમવા માટે બહુ ઓછી ઓવરો મળતી હતી. આવી સ્થિતિમાં આવીને સીધું પરફોર્મન્સ આપવું સરળ નથી હોતું. જોકે, એક-બે મેચમાં નંબર-5 કે 6ના ખેલાડીઓ ગેમ ફિનિશ કરી શક્યા નહોતા, પણ તે કોઈ ચિંતાનો વિષય નથી.
IPL-2026માં ગુજરાતની પ્રથમ મેચ પંજાબ સામે
ગુજરાત ટાઈટન્સ આ સીઝનની તેની પ્રથમ મેચ 31 માર્ચના રોજ મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમમાં આ વખતે રાશિદ ખાન, સાઈ સુદર્શન, જોસ બટલર અને મોહમ્મદ સિરાજ જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે.

