ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર આગામી આઈપીએલ-2026માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) તરફથી રમતો જોવા મળશે. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે અર્જુનને લઈને એક મોટો દાવો કર્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, તેઓ માત્ર 6 મહિનામાં અર્જુનને વિશ્વનો સૌથી મહાન બેટ્સમેન બનાવી શકે છે.

‘હું આખી દુનિયાને ચેલેન્જ કરું છું કે…’
યોગરાજ સિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ‘હું આખી દુનિયાને ચેલેન્જ કરું છું કે અર્જુન તેંડુલકર મારી સાથે 6 મહિના વિતાવીને દુનિયાના તમામ બેટ્સમેનોને પાછળ છોડી દેશે. જો કોઈ આવું ન કરી શકે તો તેને મારી પાસે મોકલી દો. જો હું આવું ન કરી શકું તો હું મારી દાઢી કાપી નાખીશ.
’‘15000 બોલની પ્રેક્ટિસ કરવી પડશે’
અર્જુનને મહાન ખેલાડી બનાવવાના માસ્ટર પ્લાન વિશે વાત કરતા યોગરાજ સિંહે જણાવ્યું હતું કે ‘તેણે દરરોજ 15000 બોલની પ્રેક્ટિસ કરવી પડશે. હું તેને સર ગારફિલ્ડ સોબર્સની કેટેગરીમાં જોઉં છું. તેણે રણજી ટ્રોફીમાં પોતાની પ્રથમ મેચમાં સાતમા નંબરે બેટિંગ કરીને સદી ફટકારી હતી. તેણે તેના કોચને કહ્યું હતું કે, તેને ત્રીજા નંબર પર રમાડે અને લિસ્ટ એ તથા ટી20માં ઓપનિંગ કરવા દે પરંતુ તેમણે તેની વાત માની નહીં. મને અર્જુન તેંડુલકર જોઈએ છે, હું તેને મહાનતમ ખેલાડી બનાવી દઈશ.’
અર્જુન તેંડુલકરની આઈપીએલ કેરિયર
અર્જુન તેંડુલકરના અત્યાર સુધીના આઈપીએલ કરિયરની વાત કરીએ તો તેણે માત્ર પાંચ મેચ રમી છે જે તમામ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી હતી. આ મેચોમાં તેણે બોલિંગમાં ત્રણ વિકેટ લીધી છે અને એક ઇનિંગમાં બેટિંગ કરતા 13 રન બનાવ્યા છે.

