ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ પૂર્વ ક્રિકેટ ડેવિડ વોર્નર કાયદાકીય મુશ્કેલીમાં ફસાયો છે. તેના પર ઓસ્ટ્રેલિયામાં દારુ પીને કાર ચલાવવાના આરોપ લાગ્યો છે. ઓસ્ટ્રેલિયન પોલીસે વોર્નરની ધરપકડ કરી હતી, જોકે પછી તેને છોડી દેવાયો છે. હવે વોર્ન પીએસએલમાં રમવા માટે ફરી પાકિસ્તાન પહોંચી ગયો છે. 39 વર્ષિય વોર્નર કરાંચી કિંગ્સનો કેપ્ટન છે. કરાંચી ટીમની પ્રથમ મેચ બે એપ્રિલે રમાઈ હતી, ત્યારબાદ ટીમની મેચ 9 એપ્રિલે રમાવાની હોવાથી, વચ્ચે સમયગાળો વધુ હોવાના કારણે વોર્નર પરિવાર સાથે સમય વિતાવવા માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો.

વોર્નર વિરુદ્ધ આગામી મહિને કોર્ટમાં સુનાવણી
મીડિયા રિપોર્ટ મુજબ, વોર્નર પર દારુ પીને ગાડી ચલાવાવનો આરોપ લાગ્યો છે. પોલીસની ટીમ પાંચમી એપ્રિલે સાંજે સિડનીના મારૌબરામાં શ્વાસ પરિક્ષણ કરી હતી. આ દરમિયાન ત્યાં વોર્નરને અટકાવાયો હતો, જ્યાં પોલીસે તેની પાસે જઈને બ્રેથ ટેસ્ટ કર્યું હતું, જેમાં તે પોઝિટિવ હોવાનું સામે આવતા જ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ વોર્નરને મારૌબરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે વોર્નર સામે કેસ દાખલ કર્યો હતો. હવે આ મામલે આગામી મહિને સુનાવણી થશે, જેમાં વોર્નરે કોર્ટમાં હાજર થવું પડશે.
વોર્નર 2024માં નિવૃત્ત થયો હતો
ઓસ્ટ્રેલિયાના સૌથી શ્રેષ્ઠ ઓપનિંગ બેટર ગણાતા વોર્નરે 2024માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે તેણે બિગ બેશ લીગ (BBL) સહિતની અન્ય ફેરન્ચાઈઝીમાં રમવાનું ચાલુ રાખ્યું છે. PSL-2026માં વોર્નરની ટીમ કરાંચી કિંગ્સ સતત ત્રણ મેચ જીતી ગઈ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમાંકે છે. હવે કરાંચી ટીમ 9મી એપ્રિલે પેશાવર જાલમી સામે ટકરાવાની છે.
વોર્નર IPLમાં અનસોલ્ડ
ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિાય માટે કુલ 112 ટેસ્ટ, 161 વન-ડે અને 110 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેણે આ ત્રણે ફોર્મેટમાં કુલ 15000થી વધુ રન નોંધાવ્યા છે. જ્યારે વોર્નર 2016માં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)નો સુકાની હતો, ત્યારે ટીમ ચેમ્પિયન બની હતી. વોર્ન છેલ્લે 2024માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો. જ્યારે IPL-2025 અને 2026માં કોઈપણ ફ્રેન્ચાઈઝીએ વોર્નરને ખરીદ્યો ન હતો.

