ટી20 વર્લ્ડકપમાં આવતીકાલે 18 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ અને ભારત વચ્ચે મુકાબલો થશે. ત્યારે ભારતે સાફ કરી દીધું છે કે તે કોઈ પણ ઢીલાસ મૂકવાના મૂડમાં નથી. ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે કહ્યું છે કે, ‘ઝડપી બોલરોમાં જસપ્રીત બૂમરાહને નેધરલેન્ડ સામેના મુકાબલામાં કોઈ જ આરામ આપવાની સંભાવના દેખાઈ રહી નથી.’

છેલ્લો નિર્ણય આવતીકાલે લેવાશે
ટીમ ઈન્ડિયા પહેલાથી જ સુપર 8માં પોતાની જગ્યા સુનિશ્ચિત કરી ચૂક્યું છે ત્યારે એવી ચર્ચાઓ હતી કે જસપ્રીત બૂમરાહને નેધરલેન્ડ સામેની મેચમાં આરામ અપાઈ શકે છે પણ ટીમ મેનેજમેન્ટ ટુર્નામેન્ટમાં લય જાળવી રાખવા માંગે છે. કોટકે પ્રિ મેચ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે હાલ એવું નથી લાગતું કે બૂમરાહને આરામ કરશે. છેલ્લો નિર્ણય પછી લેવાશે.
બૂમરાહના વર્કલોડ પર નજર
ગત રવિવારે પાકિસ્તાન સામેના મુકાબલામાં બૂમરાહે સેમ અયુબ અને કેપ્ટન સલમાન અલીને સસ્તામાં પેવેલિયન ભેગા કરી મહત્વની ભૂમિકા ભજવી હતી. શરૂઆતમાં જ સફળતાઓ અપાવી ટીમ ઈન્ડિયાની મેચ પર પકડ મજબૂત બનાવી દીધી હતી. જે બાદ ભારતનો પાકિસ્તાન સામે 61 રને ભવ્ય વિજય થયો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સ્પોર્ટ્સ સાઇન્સ ટીમ સતત બૂમરાહના વર્કલોડ પર નજર રાખે છે અને જરૂર જણાય ત્યારે જસપ્રીતને આરામ પણ આપે છે.

