ભારતીય ટીમની તાજેતરની ટી20 વર્લ્ડ કપ જીતમાં પાયાની ભૂમિકા ભજવનારા જસપ્રીત બુમરાહના અત્યારે વિશ્વભરમાં વખાણ થઈ રહ્યા છે. હવે આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કનું નામ પણ જોડાઈ ગયું છે. તેણે બુમરાહની પ્રશંસા કરતા તેને હાલના સમયનો સૌથી શ્રેષ્ઠ અને ‘મેચ વિનર’ બોલર ગણાવ્યો છે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે જણાવ્યું હતું કે, ‘બુમરાહની સૌથી મોટી તાકાત મોટી મેચોમાં દબાણ સહન કરવાની તેની અદભૂત ક્ષમતા છે. ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 15 રન આપીને 4 વિકેટ ઝડપવાનું તેનું પ્રદર્શન જ બતાવે છે કે તે કેમ દુનિયાનો સર્વશ્રેષ્ઠ બોલર છે. બુમરાહનું પ્રદર્શન 100 માંથી 99 વખત એકદમ સચોટ હોય છે.’
બુમરાહની બોલિંગ કૌશલ્ય વિશે વાત કરતા ક્લાર્કે જણાવ્યું કે, ‘બુમરાહ પાસે એટલા બધા વિકલ્પો છે જે બહુ ઓછા ફાસ્ટ બોલરો પાસે હોય છે. તે પિચને સમજવામાં માહેર છે. તેણે સપાટી જોઈને નક્કી કર્યું કે ધીમા બોલ તેનું હથિયાર બનશે અને તેનું પરિણામ સૌની સામે છે. બુમરાહના સ્લોઅર બોલ બેઝબોલના ‘કર્વબોલ’ જેવા છે જે હવામાં રસ્તો બદલે છે.’

માઈકલ ક્લાર્કે બુમરાહની તુલના ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલરો પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ સાથે કરતા એક મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે, ‘આ ત્રણેય મહાન બોલરો છે, પરંતુ તેમની પાસે બુમરાહ જેવી વિવિધતા નથી. તમે ક્યારેય આ ત્રણેયને ધીમા બોલથી 3-4 વિકેટ લેતા જોયા છે? 145 કિમીની ઝડપ, નવા બોલને સ્વિંગ કરવાની ક્ષમતા અને બુમરાહ જેવું યોર્કર દુનિયામાં કોઈ ફેંકતું નથી.’
ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપની ફાઈનલમાં શાનદાર બોલિંગ કરનાર જસપ્રીત બુમરાહને ‘પ્લેયર ઓફ ધ મેચ’ પસંદ કરવામાં આવ્યો હતો. બુમરાહે આ મેચમાં 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ સાથે તે 40 વિકેટ લઈને T20 વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બની ગયો છે.
