ICC T20 વર્લ્ડ કપના આડે હવે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે. આગામી સાતમી ફેબ્રુઆરીથી શરૂ થનારી આ મેગા ટૂર્નામેન્ટ માટે ભારતે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. જો કે, વર્લ્ડ કપ પહેલા આંતરરાષ્ટ્રીય સ્તરે T20ના નંબર-1 બેટર તરીકે ઉભરી આવેલા અભિષેક શર્માનું નબળું ફોર્મ ભારતીય કેમ્પમાં ચિંતા જગાવી રહ્યું છે.

અભિષેક શર્માની શરૂઆત સારી,પણ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ
પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો અભિષેક શર્મા છેલ્લા એક મહિનાથી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો તેની હાલત ગંભીર જણાય છે. છેલ્લી 10 ઇનિંગ્સમાં (ઘરેલું અને આંતરરાષ્ટ્રીય) તેના બેટથી માત્ર એક જ અડધી સદી નીકળી છે. તેણે છેલ્લી અડધી સદી બીજી ડિસેમ્બરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ફટકારી હતી. ત્યાર બાદથી તેનું બેટ શાંત છે. દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 સીરિઝમાં તેનો સર્વોચ્ચ સ્કોર માત્ર 35 રન રહ્યો હતો. તાજેતરમાં વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ સામે પણ તે માત્ર 8 રન બનાવી આઉટ થયો હતો.કેમ વધ્યું છે ભારતનું ટેન્શન?
વર્લ્ડ કપમાં શુભમન ગિલની ગેરહાજરીમાં ઓપનિંગની જવાબદારી અભિષેક શર્મા પર છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ હાલ શ્રેષ્ઠ ફોર્મમાં નથી. તિલક વર્માની ફિટનેસ સામે શંકા છે, જ્યારે ઇશાન કિશન અને સંજુ સેમસનની બેટિંગ પોઝિશનમાં સતત ફેરફારો થઈ રહ્યા છે. એશિયા કપમાં જે ડર અભિષેકના નામે હતો, તે હવે વિરોધી ટીમોમાં ઓછો થતો જણાય છે. વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડ સામેની 5 મેચની સીરિઝ તેના માટે ફોર્મ પરત મેળવવાની છેલ્લી તક બની રહેશે.
વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન
ભારતીય ટીમ ટૂંક સમયમાં ન્યુઝીલેન્ડ સામે પાંચ મેચની સીરિઝ રમશે, જે વર્લ્ડ કપ માટે ‘વોર્મ-અપ’ સમાન હશે. જો આ સીરિઝમાં અભિષેક, સૂર્યા અને અન્ય બેટર્સ લય પ્રાપ્ત નહીં કરે તો ભારત માટે વર્લ્ડ કપનું મિશન કપરૂં બની શકે છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચનું શેડ્યૂલ
•11 જાન્યુઆરી: પહેલી વનડે, વડોદરા
•14 જાન્યુઆરી: બીજી વનડે, રાજકોટ
•18 જાન્યુઆરી: ત્રીજી વનડે, ઇન્દોર
•21 જાન્યુઆરી: પહેલી ટી20, નાગપુર
•23 જાન્યુઆરી: બીજી ટી20, રાયપુર
•25 જાન્યુઆરી: ત્રીજી ટી20, ગુવાહાટી
•28 જાન્યુઆરી: ચોથી ટી20, વિશાખાપટ્ટનમ
•31 જાન્યુઆરી: પાંચમી ટી20, તિરુવનંતપુરમ
