ટી20 વર્લ્ડ કપના સુપર-8 મુકાબલાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભારતીય ટીમમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. રવિવારે દક્ષિણ આફ્રિકા સામે રમાનારી મહત્વની મેચ પહેલા પ્રેક્ટિસ સેશનમાં જે દ્રશ્યો જોવા મળ્યા, તેનાથી સ્ટાર ખેલાડી સંજુ સેમસનની પ્લેઈંગ ઈલેવનમાં વાપસીની અટકળો તેજ થઈ છે.

નેટ્સમાં સંજુએ પરસેવો વહાવ્યો
અમદાવાદમાં શુક્રવારે યોજાયેલા ટીમ ઈન્ડિયાના પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં સંજુ સેમસને નેટ્સ પર કલાકો સુધી બેટિંગ કરી હતી. સામાન્ય રીતે બેકઅપ ખેલાડીઓને નેટ્સમાં આટલો લાંબો સમય ફાળવવામાં આવતો નથી, પરંતુ સંજુએ વિવિધ બોલરો સામે મેચ જેવી પરિસ્થિતિમાં પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન કોચ અને પસંદગીકારોની નજર સતત સંજુ પર ટકી રહી હતી, જે દર્શાવે છે કે મેનેજમેન્ટ તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યું છે.
કોણ બહાર થશે? અભિષેક શર્મા કે તિલક વર્મા?
ટીમ મેનેજમેન્ટ માટે અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો સંજુ ટીમમાં આવે તો બહાર કોણ જશે? સ્ટાર ઓપનર અભિષેક શર્મા આ વર્લ્ડ કપમાં ત્રણ વખત શૂન્ય રને આઉટ થયો હોવા છતાં, તે વિશ્વનો નંબર-1 ટી20 બેટ્સમેન હોવાથી તેને પડતો મૂકવાની શક્યતા નહિવત છે. બીજી તરફ, ઇજામાંથી પરત ફરેલા તિલક વર્મા અત્યારે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. તિલક ખાસ કરીને સ્પિનરો સામે રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ ચિંતાનો વિષય છે. ગ્રુપ સ્ટેજમાં તિલકે નેધરલેન્ડ સામે 27 બોલમાં 31 અને પાકિસ્તાન સામે 24 બોલમાં માત્ર 25 રન બનાવ્યા હતા.
સંજુનો દક્ષિણ આફ્રિકા સામે શાનદાર રેકોર્ડ
ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે તિલક વર્માના સ્થાને સંજુ સેમસનને તક આપવી એ મેનેજમેન્ટ માટે સૌથી સરળ રસ્તો છે. દક્ષિણ આફ્રિકા સામે સંજુનો વ્યક્તિગત રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે, જે તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન અપાવવામાં મદદરૂપ થઈ શકે છે. જોકે, ટીમ મેનેજમેન્ટ વિનિંગ કોમ્બિનેશન સાથે છેડછાડ કરશે કે કેમ તે રવિવારે ટોસ સમયે જ ખબર પડશે. રિન્કુ સિંહના સ્થાને સંજુને રમાડવાની શક્યતા નહિવત હોવાનું પણ રિપોર્ટ્સ જણાવી રહ્યા છે.

