પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તણાવમાં ક્રિકેટ પણ વિવાદનું કારણ બની છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમના બહિષ્કાર વચ્ચે 14 સપ્ટેમ્બરના રોજ બંને દેશો વચ્ચે એશિયા કપનો મુકાબલો થવાનો છે. બંને દેશ દુબઈમાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આમને-સામને થશે, જેનો મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધની જ્વાળા વચ્ચે પાકિસ્તાની ટીમના હેડ કોચ માઈકે ચિંતા વ્યક્ત કરી છે.

હેડ કોચ માઈક હેસને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારત સાથે મુકાબલા પર માઇન્ડગેમ રમતાં ભારતને પાકિસ્તાનના સ્પિનર્સથી ખતરો હોવાનું નિવેદન આપ્યું છે. તેમણે પાકિસ્તાનની ટીમની તાકાત પોતાના પાંચ સ્પિનર્સ હોવાનું જણાવ્યું છે. સ્પિનર્સ પોતાની બોલિંગમાં સતત સુધારો કરી રહ્યા છે. જે ટીમ ઇન્ડિયા માટે જોખમી સાબિત થઈ શકે છે.
અમારી તાકાત અમારા પાંચ સ્પિનરઃ પાકિસ્તાન હેડ કોચ
હેસને કહ્યું કે, અમને અમારી બોલિંગ લાઇનઅપ પર પૂરેપૂરો વિશ્વાસ છે. અમારી તાકાત અમારા પાંચ સ્પિનર છે. મોહમ્મદ નવાઝ હાલ વિશ્વનો સર્વશ્રેષ્ઠ સ્પિનર છે. અમારી પાસે અબરાર અહમદ અને સુફિયાન મુકીમ પણ છે. જે આકર્ષક પર્ફોર્મન્સ આપી રહ્યા છે. સેમ અયુબ વિશ્વનો ટોપ-10 ઓલરાઉન્ડર છે. તેની બોલિંગમાં ઘણો સુધારો આવ્યો છે. સલમાન અલી આગા પણ પાકિસ્તાનની ટેસ્ટ ટીમનો ટોચનો સ્પિનર છે. ઉલ્લેખનીય છે, કોચ હેસને પોતાની બોલિંગ લાઇનઅપ વિશે માહિતી આપતાં સ્પિનર મોહમ્મદ નવાઝના વખાણ કર્યા હતા. નવાઝ હાલ ફૂલ ફોર્મમાં હોવાથી તે ટીમ માટે મહત્ત્વનો ખેલાડી સાબિત થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
ભારતની જીત પર વિશ્વાસ પણ…
હેરસે આગળ કહ્યું કે, અમે જાણીએ છીએ કે, ભારતનું જે રીતે પર્ફોર્મન્સ રહ્યું છે, તેને ધ્યાનમાં લેતાં તેઓ જીત માટે સંપૂર્ણપણે કોન્ફિડન્ટ છે, અમે અમારી ટીમને વધુ શ્રેષ્ઠ બનાવવા પર ફોકસ કરી રહ્યા છીએ. અમે પડકારોને સારી રીતે સમજીએ છીએ. અમે આ મુકાબલાની ઉત્સુક્તાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ.
હેડ કોચનું બેવડું વલણ
પાકિસ્તાનના હેડ કોચ માઈક હેસન એક બાજુ પોતાના સ્પિનર્સની તાકાત બતાવી રહ્યા છે, તો બીજી બાજુ દુબઈની પીચ પર સ્પિન ન મળવાની શક્યતા પણ વ્યક્ત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, દુબઈની પીચ પર શારજહાં જેટલું સ્પિન નહીં મળે. કુલદીપ યાદવે યુએઈ વિરુદ્ધ શારજહાંમાં બોલિંગ કરી હતી, ત્યારે પણ તેને કોઈ ખાસ સ્પિનનો મોકો મળ્યો ન હતો. એવામાં દુબઈની પીચ પર તેના કરતાં પણ ઓછા સ્પિન જોવા મળશે. જો કે, અમારી પાસે રિસ્ટ સ્પિનર છે. જેથી પીચનું કોઈ ખાસ મહત્ત્વ રહેતું નથી.
દુબઈમાં પાકિસ્તાનનો પહેલો મુકાલબો ઓમાન સામે થશે. પરંતુ સૌની નજર ભારત-પાકિસ્તાનની મેચ પર છે. ભારત અને પાકિસ્તાનની મેચ ઓલટાઇમ રસાકસીભરી અને રોમાંચક રહી છે. તેનો ઉત્સાહ કંઈક અલગ જ હોય છે.

