ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરી 7 વિકેટે વિજય મેળવ્યો છે. આ સાથે જ ભારતે આ સિરીઝમાં 2-0ની મજબૂત લીડ બનાવી લીધી છે. જોકે, આ મેચની સાથે સોશિયલ મીડિયા પર ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો એક વીડિયો ખૂબ જ ચર્ચામાં છે.
રાયપુરમાં રમાયેલી આ મેચ પહેલાં હાર્દિક પંડ્યા અને પૂર્વ ક્રિકેટર મુરલી કાર્તિક વચ્ચે મેદાન પર લાંબી ચર્ચા થતી જોવા મળી હતી. સ્ટેન્ડમાંથી પ્રેક્ષકો દ્વારા રેકોર્ડ કરાયેલા આ વીડિયોમાં બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ રહી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જોકે વીડિયોમાં અવાજ ન હોવાને કારણે વાતચીતનો ચોક્કસ વિષય જાણી શકાયો નથી.
વીડિયોમાં જોઈ શકાય છે કે હાર્દિક પંડ્યા જ્યારે પ્રેક્ટિસ કિટમાં મેદાન પર આવે છે, ત્યારે કોમેન્ટ્રી ડ્યુટી પર હાજર મુરલી કાર્તિક સાથે મુલાકાત કરે છે. શરૂઆતમાં બંનેએ હાથ મિલાવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેમની વચ્ચે ગંભીર વાતચીત શરૂ થઈ હતી. હાર્દિકની બોડી લેન્ગવેજ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ એવો દાવો કરી રહ્યા છે કે બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી અને મુરલી કાર્તિક તેને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, આ માત્ર અટકળો છે અને હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં ભારતીય ટીમે ઐતિહાસિક પ્રદર્શન કરતા પ્રવાસી ટીમને કારમી હાર આપી છે. ન્યૂઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા 208 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર 15.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી લીધી હતી. ભારતની આ આક્રમક જીત પાછળ કેપ્ટન સૂર્યકુમાર યાદવની અણનમ 82 રનની અને ઈશાન કિશનની 76 રનની ઇનિંગ્સ મુખ્ય રહી હતી.
આ મેચમાં ભારતે 28 બોલ બાકી રહેતા લક્ષ્ય પ્રાપ્ત કરીને એક નવો વિક્રમ સ્થાપ્યો છે. T20 ઇન્ટરનેશનલમાં 200થી વધુ રનનો પીછો કરતા બાકી રહેલા બોલની દ્રષ્ટિએ આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને બેટિંગ કરવાની જરૂર પડી નહોતી, પરંતુ બોલિંગમાં તેણે પ્રભાવશાળી દેખાવ કરતા 3 ઓવરમાં માત્ર 25 રન આપીને માર્ક ચેપમેનની મહત્ત્વની વિકેટ ઝડપી હતી. આ વિજય સાથે ભારતે સિરીઝમાં 2-0ની લીડ મેળવીને સિરીઝ જીતવા તરફ મજબૂત ડગલું માંડ્યું છે.
