દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓને હટાવવાના ચૂકાદાની પુન: સમીક્ષા માટેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે ત્રણ ન્યાયાધીશોની બેન્ચે સુનાવણી કરી હતી. આ સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાના કારણે દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓની સમસ્યા વકરી છે. સંસદનું કામ નિયમો-કાયદા બનાવવાનું છે, પરંતુ સ્થાનિક કોર્પોરેશન સ્તરે તેનું પાલન થતું નથી. પશુઓની નસબંધી અને રસીકરણ અંગે પશુ જન્મ નિયંત્રણ નિયમના અમલ માટે કોર્પોરેશને કશું કર્યું નથી. બધા પક્ષો પુરાવા સાથે સોગંદનામું આપે. આ સાથે સુપ્રીમે વચગાળાની રાહત હેઠળ બે બેન્ચના ચૂકાદા પર સ્ટેનો આદેશ અનામત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લઈ દિલ્હી-એનસીઆરમાંથી તમામ કૂતરાઓને આઠ સપ્તાહમાં ખસેડવાનો આદેશ આપ્યા પછી રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી સહિત અનેક સેલિબ્રિટીઓ અને પશુ પ્રેમીઓ રખડતા કૂતરાઓના સમર્થનમાં આગળ આવતા સુપ્રીમ કોર્ટે આ કેસ ત્રણ જજોની બેન્ચને સોંપ્યો હતો.
ન્યાયાધીશો વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એનવી અંજારિયાની બેન્ચે ગુરુવારે આ કેસની સુનાવણી કરતા કહ્યું કે, સંસદ નિયમ અને કાયદો બનાવે છે, પરંતુ તેનું પાલન થતું નથી. સ્થાનિક સ્તરે અધિકારીઓ કામ નથી કરી રહ્યા. એટલે આજે આ સમસ્યા ઊભી થઈ છે. એકબાજુ માણસ છે, જે પીડિત છે અને બીજીબાજુ પશુ પ્રેમીઓ પશુઓ સાથે ગૌરવ સાથે વર્તન કરવામાં આવે તેમ ઈચ્છે છે.
આ પહેલાં દિલ્હી સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેટલાક આંકડા રજૂ કર્યા હતા અને કહ્યું કે, વર્ષ ૨૦૨૪માં એકલા ભારતમાં જ કૂતરાઓના કરડવાના ૩૭.૧૫ લાખ કેસ નોંધાયા હતા. એટલે કે દરરોજ ૧૦,૦૦૦ બનાવ બન્યા. આ સમયમાં રેબીઝથી ૩૦૫ મોત થયા. જોકે, વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ વાસ્તવિક આંકડો વધુ હોઈ શકે છે.
તેમણે સ્પષ્ટરૂપે કહ્યું કે, અહીં કોઈ પશુઓને નફરત નથી કરતું, પરંતુ રખડતા કૂતરાઓની સમસ્યાનો ઉકેલ આવવો જોઈએ. તેના પર લડાઈ ના થવી જોઈએ. આ કેવી વિચિત્રતા છે કે ચીકન-મટન ખાનારા આજે પશુ પ્રેમીઓ બની બેઠા છે. પશુ પ્રેમીઓની બહુ નાની સંખ્યા રખડતા કૂતરાઓની તરફેણમાં બોલી રહી છે અને બહુમતી પીડિત જનતા ચૂપચાપ ગંભીર નુકસાન સહન કરી રહી છે, જેમાં બાળકો પણ સામેલ છે. કૂતરાઓની નસબંધી અને રસીકરણથી રેબીઝની બીમારી અટકતી નથી. બાળકો પર હુમલા પણ રોકાતા નથી. કૂતરાઓના કરડવાનો સૌથી વધુ ભોગ બાળકો બની રહ્યા છે. તેમનું બહાર રમવાનું-પાર્કમાં ફરવાનું બંધ થઈ ગયું છે.
સૂપ્રીમ કોર્ટની બે ન્યાયાધીશોની બેન્ચના આદેશ પર સ્ટેની માગ કરતા કપીલ સિબલે કહ્યું કે, દિલ્હીમાં કૂતરાઓને રાખવા માટે કોઈ શેલ્ટર નથી. રખડતા કૂતરાઓને ક્યાં રખાશે? દિલ્હીમાં કૂતરાઓને પકડવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. શેલ્ટર હોમ ઓછા છે અને જ્યાં છે ત્યાં જગ્યા ઓછી છે. એવામાં કૂતરાઓ વધુ ખતરનાક થઈ શકે છે. આ પગલાં પર સ્ટે મૂકવો જોઈએ. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, રેબીઝના કારણે દિલ્હીમાં એક પણ મોત થયું નથી. કૂતરાઓના કરડવાની ઘટનાઓ દુ:ખદ છે, પરંતુ તેના કારણે આવો ભયાનક આદેશ આપવો જોઈએ નહીં.
રખડતા પશુઓ માટે શેલ્ટર બનાવવાનું કામ સરકાર કરતી નથી
નવી દિલ્હી : શહેરોના રસ્તાઓ પર રખડતા કૂતરાઓનો વિવાદ વકરી રહ્યો છે, પરંતુ એક સરવે મુજબ મોટાભાગના નાગરિકોએ રખડતા કૂતરાઓને શેલ્ટર હોમમાં રાખવાના સુપ્રીમ કોર્ટના ચૂકાદાને આવકાર્યો છે. સરકાર વિદેશમાં શહેરી વિકાસ પરથી પ્રેરણા લઈને ઊંચી-ઊંચી ઈમારતો બાધે છે. રસ્તાઓ બનાવવા નવી ટેક્નોલોજી અપનાવે છે ત્યારે રખડતા પશુઓ માટે વિદેશમાં બનતા શેલ્ટર હોમ પરથી સરકાર કોઈ પ્રેરણા લેતી નથી. વિદેશમાં રખડતા પશુઓ માટે મોટી સંખ્યામાં શેલ્ટર હોમ બનેલા છે, જેથી ત્યાંના રસ્તાઓ પર ક્યાંય કોઈ પશુ જોવા મળતા નથી. શહેરોમાં રસ્તાઓ પરથી ગાય, ભેંસ, કૂતરા સહિતના રખડતા પશુઓને હટાવવાનું અને તેમને શેલ્ટર હોમમાં રાખવાનું કામ સરકારનું છે, પરંતુ સરકારની નિષ્ક્રિયતાના કારણે આવા મુદ્દાઓ પર છેક સુપ્રીમ કોર્ટમાં કેસ થાય છે. સરકાર, સુપ્રીમ કોર્ટ અને નાગરિકો પોતાની જવાબદારીઓ પૂરી કરવાના બદલે એકબીજા પર દોષારોપણ કરીને સમસ્યાનો ઉકેલ નથી લાવતા તેનું આ સૌથી સારું ઉદાહરણ છે.


