NATIONAL : નવા કાયદાથી સંસદમાં સંગ્રામ : PM, CM 30 દિવસ જેલમાં રહે તો પદ ગુમાવે

0
75
meetarticle

વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી કે રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રીઓને ગંભીર ગુનાના કેસોમાં ૩૦ દિવસ સુધી જેલમાં રાખવામાં આવે તો આવી સ્થિતિમાં તેમની પાસેથી વડાપ્રધાન, મંત્રી કે મુખ્યમંત્રીનું પદ પરત લઇ લેવાય એવી જોગવાઇ કરતું બિલ લોકસભામાં રજુ કરાયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજુ કરાયેલા આ બિલનો વિપક્ષે સુત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો, એટલુ જ નહીં બિલની કોપીઓ પણ ફાડી નાખી હતી.

વિપક્ષના સાંસદો લોકસભાની વેલ સુધી ધસી આવ્યા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતા, આ દરમિયાન સાંસદોએ બિલોની કોપી ફાડી હતી અને ગૃહમંત્રી અમિત શાહ તરફ ઉછાળી હતી. જોકે વિવાદ વચ્ચે સરકારે સ્પષ્ટતા કરી હતી કે અમે આ બિલને સંયુક્ત સંસદીય સમિતી જેપીસીને સોંપવાનો પ્રસ્તાવ રજુ કરે છે. બંધારણના ૧૩૦માં સંશોધન માટેના આ બિલને લઇને વિપક્ષ દ્વારા એટલો ઉગ્ર વિરોધ કરાયો હતો કે ગૃહમંત્રીનું માઇક તોડવાનો પણ પ્રયાસ થયો હતો. બાદમાં સ્થિતિ બહુ જ તંગદીલ થઇ ગઇ હતી. જ્યારે સત્તાપક્ષ ભાજપના સાંસદો ગૃહમંત્રીનો બચાવ કરવા લાગ્યા હતા.

બિલનો બચાવ કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે જ્યારે હું ગુજરાતમાં મંત્રી હતો ત્યારે મારા પર આરોપો લાગ્યા હતા, મે મંત્રીપદેથી રાજીનામુ આપી દીધુ હતું અને કોર્ટના આદેશનું પાલન કર્યું હતું. બાદમાં મે મંત્રી તરીકેની જવાબદારી ત્યારે જ સંભાળી જ્યારે હું તમામ આરોપોથી મૂક્ત થઇ ગયો. આ બિલ દેશમાં ભ્રષ્ટાચાર રોકવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વિપક્ષનો દાવો છે કે આ બિલનો ઉપયોગ વિપક્ષની સરકારો વિરુદ્ધ એક હથિયાર તરીકે થઇ શકે છે.

જ્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બિલનો વિરોધ કરતા કહ્યું હતું કે આપણે મધ્યકાળ તરફ પરત ફરી રહ્યા છીએ, મધ્યકાળમાં રાજા પોતાની મરજીથી કોઇને પણ પદ પરથી હટાવી શકતો હતો, જો રાજાને કોઇનો ચહેરો પસંદ ના આવ્યો તો ઇડી દ્વારા ધરપકડ કરાવીને લોકશાહી ઢબે ચૂંટાયેલા નેતાને ૩૦ દિવસમાં બહાર કરી દેવાશે.  કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરાયેલા બિલમાં એવી જોગવાઇ છે કે જેમાં આરોપો સાબિત થાય તે પહેલા જ પીએમ, મુખ્યમંત્રી, મંત્રી પદેથી રાજીનામુ લઇ લેવામાં આવશે. તપાસ અને સુનાવણી દરમિયાન જ તેમને હટાવવાની કાર્યવાહી શરૂ થઇ જશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here