AHMEDABAD : શ્રી મીનેશભાઈ વાળંદ દ્વારા ભણાવાયેલી વિદ્યાર્થીનીઓ સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં વ્યવસાય મેળવી આત્મનિર્ભર બની

0
96
meetarticle

શિક્ષક ક્યારે પણ સાધારણ હોતો નથી.. આ વાત આચાર્ય શ્રી ચાણકયએ કહી હતી. અમદાવાદ જિલ્લાની વાલીન્ડા પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષક શ્રી મીનેશભાઈ વાળંદે આ વાતને ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે. આ અસાધારણ શિક્ષકે ધોરણ ૮ પાસ કરેલી ૫૦થી વધુ દીકરીઓને આદર્શ નિવાસી શાળા-સેક્ટર ૧૩, ગાંધીનગર ખાતે પ્રવેશ અપાવ્યો હતો. આ દીકરીઓના અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી પણ તેમણે ઉપાડી હતી. જેના પરિણામ સ્વરૂપે આજે આમાંથી મોટાભાગની વિદ્યાર્થીઓ સ્નાતક, અનુસ્નાતક અને બી.એડ જેવા અભ્યાસક્રમો પૂર્ણ કરીને સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં વ્યવસાય મેળવી આત્મનિર્ભર બની છે.

દેશના ભવિષ્યને ઉજળું બનાવતા આ શિક્ષક શ્રી મીનેશભાઈ વાળંદ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ૧૯ વર્ષ પહેલા જ્યારે તેઓ ધોલેરાની વાલીન્ડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા, ત્યારે ધોલેરા તાલુકામાં દીકરીઓનો શાળાએ ભણવા જવાનો દર ખૂબ ઓછો હતો. આ બાબત ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતામાં શિક્ષણના મહત્વ અંગે જાગૃતિ વધે તે માટે “પેટર્ન ઓફ વાલીન્ડા” નામથી એક અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત અનિયમિત વિદ્યાર્થીઓને શાળા તરફ આકર્ષિત કરવા નવીન પદ્ધતિ અપનાવવામાં આવી હતી. જેમાં મહિનાનું કેલેન્ડર તૈયાર કરીને વધુ ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓના ઘરે જઈને ‘મોહલ્લા પ્રાર્થના’ કરવાનો અનુક્રમ શરુ કર્યો હતો, જેથી આસ-પાસના રહેવાસીઓમાં પણ શિક્ષણના મૂલ્યો અંગે જાગૃતિ આવે.

આ ઉપરાંત બાળકોને કલા સંસ્કૃતિ સાથે જોડવા માટે “શાળામાં કવિ કહે છે” નામથી એક વિશેષ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના કવિઓની કાવ્યરચના સંગીતના રૂપમાં ગાઈને બાળકોને ભણાવવામાં આવે છે. વધુમાં, શિક્ષકો અને બાળકો સાથે મળીને ટિફિન ડે અને ફિલ્મ નિદર્શન-ડેની ઉજવણી કરે છે. જેથી બાળકોને શાળામાં હળવું અને રસપ્રદ વાતાવરણ મળતા તેઓ નિયમિત ભણવા આવે. “પેટર્ન ઓફ વાલીન્ડા” અભિયાનની ખાસ વાત એ છે કે, જે વાલી પોતાના બાળકને નિયમિત શાળાએ મોકલે ત્યારે તે બાળક અને વાલીનું સન્માન કરવામાં આવે છે. આવા અનેક પ્રયાસો અને રાજ્ય સરકારના સહકારથી આજે ધોલેરા તાલુકાના બાળકોમાં ભણવાની જિજીવિષા જાગી છે.

વધુમાં શ્રી મીનેશભાઈએ કહ્યું હતુ કે, રમત ગમત ક્ષેત્રે પણ વાલીન્ડા પ્રાથમિક શાળાના બાળકો પાછળ ન રહે તે માટે શાળાના બાળકોને કઈ રમતમાં રસ છે, તે જાણી રાજ્ય સરકારના ખેલ મહાકુંભમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ભાગ લેવડાવવામાં આવે છે. જેની ફલશ્રુતિરૂપે શાળાની જ એક દીકરી – બંસી કિરીટભાઈ મેરે ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ કુસ્તીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ દીકરી હાલ સરકારી સ્પોર્ટ્સ સ્કૂલમાં બેડમિન્ટન અને કુસ્તીનો અભ્યાસ કરી રહી છે. તાજેતરમાં મુંબઈમાં યોજાયેલ એશિયન ગેમ્સ -૨૦૨૫માં ટેકવોન્ડો રમતમાં પણ આ દીકરીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

આ ઉપરાંત શ્રી મીનેશભાઈ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સૃષ્ટિ એન.જી.ઓ. અને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ-IIM સાથે મળીને ઉનાળા વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ માટે ચિલ્ડ્રન ક્રિએટિવિટી વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને ઇનોવેશન અને વૈચારિક કૌશલ્ય વિકસાવવાની તક મળે છે. આમાંથી એક વિદ્યાર્થીને રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત પણ કરવામાં આવ્યો છે.

દર વર્ષે ૫ સપ્ટેમ્બરને ‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે યોજાનારા શિક્ષક દિવસ કાર્યક્રમમાં અમદાવાદના પ્રતિભાશાળી શિક્ષક શ્રી મીનેશભાઈ વાળંદને શિક્ષણ ક્ષેત્રે રાજ્યમાં ઉત્તમ કામગીરી કરવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર’ દ્વારા સન્માનિત કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી મીનેશભાઈએ શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી કરવા બદલ વર્ષ – ૨૦૧૧માં વાંચે ગુજરાત અંતર્ગત ગુજરાત ગૌરવ એવોર્ડ, વર્ષ -૨૦૧૩માં ભારત રત્ન સરદાર પટેલ સાહિત્યિક એવોર્ડ, વર્ષ -૨૦૧૬માં માતૃભાષા અભિયાન દ્વારા રાજ્યના શ્રેષ્ઠ ભાષા શિક્ષક એવોર્ડ, વર્ષ -૨૦૧૯માં રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા શ્રેષ્ઠ આચાર્ય સન્માન, વર્ષ -૨૦૨૦માં અચલા ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ શિક્ષક સન્માન તેમજ વર્ષ -૨૦૨૧માં અમદાવાદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન દ્વારા પુરુસ્કૃત કરવામાં આવ્યા હતા.

REPOTER : પ્રિન્સ ચાવલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here