ભરૂચ શહેરના “સી” ડિવિઝન પોલીસે બાતમીના આધારે ચાવજ ગામ નજીક આવેલા પંચમુખી હનુમાનજી મંદિર પાસેના એક બંધ મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડ્યો છે. આ દરોડામાં પોલીસે જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ ₹1,29,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ₹62,200ની રોકડ, દાવ પરના ₹17,300, 104 પત્તાનાં પાના, અને 9 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.
ઝડપાયેલા આરોપીઓમાં અશોક પ્રજાપતિ (ઉં.વ. 47), જયંતિ પ્રજાપતિ (ઉં.વ. 47), રામકરણ ઠાકોર (ઉં.વ. 35), બહાદુર ખાચર (ઉં.વ. 65), ફિરોજ રાણા (ઉં.વ. 55), બળદેવ વસાવા (ઉં.વ. 30), યોગેશ મિસ્ત્રી (ઉં.વ. 35), પીઠા દાફડા (ઉં.વ. 60) અને કેયુર મહેતા (ઉં.વ. 32)નો સમાવેશ થાય છે.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને જિલ્લા પોલીસ વડા અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના સુપરવિઝન હેઠળ પી.આઈ. વી.એ. ડોડીયા અને તેમની ટીમે આ સફળ કામગીરી પાર પાડી. ભરૂચ સી ડિવિઝન પોલીસે જુગાર અધિનિયમની કલમ 4, 5 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


