અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલા એપલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ગઈકાલે મોડી સાંજે એક કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગની લપેટમાં બાજુમાં પાર્ક કરેલી બીજી કાર પણ આવી જતાં બંને કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
બનાવની વિગત મુજબ, એક કારચાલક પાર્કિંગમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે અચાનક તેની કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને થોડી જ વારમાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. આગ એટલી ભયાનક હતી કે બાજુમાં પાર્ક કરેલી બીજી એક કાર પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી અને બંને કાર સળગવા લાગી હતી.
આ ઘટનાની જાણ થતાં જ ડીપીએમસી (DPMC) ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટર્સે પાણી અને ફોમનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં બંને કારને ભારે નુકસાન થયું હતું.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.


