ભરૂચના નર્મદા બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર એક મહિલાનો સ્થાનિકોની સજાગતા અને ત્વરિત કાર્યવાહીને કારણે જીવ બચાવી લેવામાં આવ્યો છે.
આ ઘટના ગુરુદ્વારા કિનારા નજીક બની હતી. અંકલેશ્વરના અંદાડા ગામની આ પરિણીતાએ અગમ્ય કારણોસર બ્રિજ પરથી નર્મદા નદીમાં છલાંગ લગાવી હતી. એક જાગૃત રાહદારીએ આ દ્રશ્ય જોતા તરત જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ને જાણ કરી હતી. ધર્મેશ સોલંકીએ સમય ગુમાવ્યા વિના સ્થાનિક નાવિકોની મદદ લીધી અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. નાવિકોએ તરત જ નદીમાં પહોંચી મહિલાને સલામત રીતે બહાર કાઢી કિનારે લાવ્યા હતા.
મહિલાનો સંપર્ક થતાં તેના પતિનો મોબાઈલ નંબર મેળવી પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો તત્કાળ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મહિલાને ઘરે લઈ ગયા હતા. આ ઘટના છેલ્લા ૨૪ કલાકમાં નર્મદા બ્રિજ પર આત્મહત્યાનો બીજો પ્રયાસ છે.
આત્મહત્યાના બનાવો વારંવાર બનતા હોવાથી સ્થાનિકોએ તંત્રને બ્રિજની બંને બાજુ સેફટી જાળી લગાવવાની માંગ કરી છે. જોકે, આ માટે મંજૂરી મળી હોવા છતાં કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી. તંત્ર વહેલી તકે આ કામગીરી શરૂ કરે તેવી લોકમાગણી ઉઠી છે, જેથી આવા અકસ્માતો અટકાવી શકાય.


