સુરત શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ઉત્રાણ પોલીસ મથકની હદમાં આવેલા પાવર હાઉસની સામેના ખુલ્લા પ્લોટ અને સમતાનગરના રૂમોમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો.

આ કાર્યવાહીમાં પોલીસને વિવિધ નામી બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની કુલ ૯૯૫ નંગ બોટલો તથા ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹૩,૧૭,૯૬૭/- અંદાજવામાં આવી છે.
પોલીસે સ્થળ પરથી દારૂના જથ્થા ઉપરાંત એક વાહન અને ૪ ફોન-પે સ્કેનર સહિત કુલ ₹૩,૪૩,૭૬૭/- નો મુદ્દામાલ સીઝ કર્યો છે. દરોડા દરમિયાન સમતાનગર ખાતે રહેતા પ્રવીણ ઉર્ફે પુષ્પરાજ નાનજીભાઈ કોળી પટેલ નામના આરોપીને ઝડપી પાડી ઉત્રાણ પોલીસને સોંપવામાં આવ્યો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ શખ્સો – મુકેશ સાઈદાણે, વિનોદ સાઈદાણે, વિશાલ પરમાર, વાહન માલિક અને દારૂ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા જથ્થામાં બ્લેક લેબલ, બ્લેન્ડર્સ પ્રાઈડ અને રોયલ સ્ટેગ જેવી પ્રીમિયમ બ્રાન્ડનો સમાવેશ થાય છે.

