ખાડી દેશોમાં ફાટી નીકળેલા યુદ્ધની સ્થિતિને કારણે ઈંધણ અને ગેસ સપ્લાય પર અસર વર્તાઈ છે. જેની સીધી અસર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો પર પડી છે. કાચા માલની ઉપલબ્ધતા અને કિંમતો બંને અનિશ્ચિત બની છે. બીજી બાજુ ઉદ્યોગો અને કારખાનાઓમાં કામ કરતાં પરપ્રાંતિય કામદારોનું જીવનધોરણ પણ પાટા પરથી ઉતરી પડ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગેસની અછતને કારણે પરપ્રાંતિય કામદારો પોતાના વતન તરફ રવાના થયા છે. જેના કારણે મોટા કારખાનાની કામગીરી પણ બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. પરપ્રાંતિય કામદારો પોતાના વતન ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જઈ રહ્યાં છે. ગેસનો પુરવઠો નહીં મળવાને કારણે કારખાનામાં કામ કરતા કામદારોને હાલાકીનો સામનો કરવો પડે છે. ગેસ નહીં હોવાથી તેમની પાસેથી ત્રણથી ચાર ગણો ભાવ વસૂલવામાં આવી રહ્યો છે. ગેસ નહીં હોવાથી પરિવારને ભોજન માટે પણ વલખાં મારવા પડે તેવી સ્થિતિનો સામનો કરવો પડે છે.
જેથી કામદારો ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ રવાના થયા છે. કેટલાક કારખાના પણ બંધ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુદ્ધને કારણે ગેસનો પુરવઠાનો સપ્લાય અટકી જવાથી લોકો સુધી સસ્તો અને ઝડપથી ગેસ સપ્લાય પહોંચી નથી રહ્યો. જેના કારણે આ સ્થિતિનું સર્જન થયું હોવાનું જાણવા મળ્યું છે.
