ઓલપાડ તાલુકાના સરસાણા ગામે કોબા રોડ ઉપર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી રાજ્યકક્ષાના પૂર્વમંત્રી અને ૧૫૫-ઓલપાડ વિધાનસભા મતક્ષેત્ર ના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના વરદ્દહસ્તે રૂ.૪૦.૯૬ કરોડના ૧૩ વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો.

વિગત મુજબ મોર જિલ્લા પંચાયત સીટ માં સમાવિષ્ટ ગામોમાં મંજૂર થયેલ રૂ.૪૦.૯૬ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કરતાં પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે,રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની દીર્ઘ દ્રષ્ટિથી પોલીસ તંત્ર રાજ્યમાં ચાલતા નશાના કાળા કારોબારને નાથવામાં સતત સફળ થઈ રહ્યા છે.જયારે સુરત જિલ્લામાં પણ હાટ બજારની આડમાં ડ્રગ્સનું દુષણ વધતા યુવાનોના માં-બાપે સતર્ક રહેવાની જરૂર છે.જે સાવચેતીના ભાગરૂપે મેં જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કરી મારા ઓલપાડ વિધાનસભા મતક્ષેત્ર ના સાયણ,ઓલપાડ, કીમ સહિતના વિવિધ વિસ્તારોમાં ચાલતા હાટ બજારો તાકીદે બંધ કરવા સૂચના આપી દીધી છે.તેમણે આ પ્રસંગે બે ગામોને જોડતા અનેક રસ્તા ઓ બનાવડાવી લોકોના સામાજિક સબંધોનું અંતર ઘટાડ્યું હોવાનું કહી નજીકના દિવસોમાં હજુ પણ બે ગામોને જોડતા નવા રસ્તાઓ બનાવવા લોકો નડતર રૂપ જમીનની સમસ્યા હલ કરે તેવો અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ઓલપાડ તા.પં.ના પ્રમુખ નીતાબેન પટેલની ટીમ,જિ.પં. ના સભ્યો,તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ, મહામંત્રી સુનિલ પટેલ અને સંગઠન ટીમ, કાર્યપાલક ઇજનેર પ્રતિક ખીમાણી, એ.સો.વિશાલ પટેલ વિવિધ ગામોના સરપંચો સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

