સુરતના ડિંડોલી વિસ્તારમાં જાહેર રોડ પરથી એક્સપાયરી ડેટની દવાઓનો મોટો જથ્થો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જવાબદાર વ્યક્તિઓ દ્વારા આ દવાઓને સળગાવીને પુરાવા નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં આજે સવારે સ્થાનિકોએ રોડની સાઈડમાં દવાઓનો મોટો જથ્થો પડેલો જોયો હતો. આ દવાઓને કોઈએ સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે અડધી સળગેલી હાલતમાં દવાઓ મળી આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા ગામના સરપંચ અને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરી હતી. પોલીસ અને મેડિકલ ઓફિસરોની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક નિરીક્ષણમાં જાણવા મળ્યું છે કે, આ તમામ દવાઓ ‘એક્સપાયરી ડેટ’ની હતી. જેમાં મુખ્યત્વે કેલ્શિયમની ગોળીઓ અને કફ સિરપના જથ્થાનો સમાવેશ થાય છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ દવાઓ કોઈ સરકારી સંસ્થાની નહીં પરંતુ ખાનગી હોસ્પિટલ અથવા ક્લિનિકની હોઈ શકે છે. મુદત વીતી ગયા પછી દવાઓનો યોગ્ય નિકાલ કરવાને બદલે તેને જાહેર રોડ પર ફેંકી દેવી એ મોટી લાપરવાહી ગણાય છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી છે કે દવાઓને આ રીતે જાહેર રોડ પર સળગાવવી અત્યંત જોખમી છે. જો સળગતી દવાઓનો ધુમાડો હવામાં ફેલાય અને લોકો શ્વાસમાં લે તો ફેફસાં અને શ્વસનતંત્રને ગંભીર નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત, જો રમતા બાળકો ભૂલથી આ દવાઓને હાથમાં લે અથવા મોઢામાં નાખે તો જીવનું જોખમ ઊભું થઈ શકે છે. મેડિકલ વેસ્ટના નિકાલ માટે ચોક્કસ ગાઈડલાઈન હોવા છતાં તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. હાલમાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની અને સ્થાનિક ક્લિનિક્સની તપાસ કરવાની કામગીરી શરૂ કરી છે. આટલો મોટો જથ્થો કોણ ફેંકી ગયું અને કોણે તેને સળગાવવાનો પ્રયાસ કર્યો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

