સુરતના ઉધના ભાઠેના વિસ્તારમાં સિલાઈ મશીનનું સંયુક્ત ખાતું ધરાવતા મામા-ભાણેજના સંબંધોમાં ધંધાકીય હિસાબને લઈને કરુણ અંત આવ્યો છે. મૂળ બિહારના વતની મામાએ ભાણેજની હત્યા કરીને તેની લાશના ટુકડા કર્યા અને પાંચ અલગ-અલગ થેલામાં પેક કરીને ભાઠેના ખાડીમાં ફેંકી દીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉધના પોલીસે આરોપી મામા આકાશ ઉર્ફે ગઢી રાઠોડની કબૂલાતના આધારે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિસાબ મામલે વિવાદ થતાં કરાઈ હત્યા
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ બિહારના અને હાલ સુરતમાં ભાઠેના શિવશક્તિ સોસાયટીમાં રહેતા 30 વર્ષીય મો. ઇફ્તેખાર વાજીદ અલી, તેમના ભાણેજ મો. આમીર આલમ (ઉ.વ.20) સાથે ભાઠેના વિસ્તારમાં સરખા ભાગે સિલાઈ મશીનનું ખાતું ચલાવતા હતા. મામા મો. ઇફ્તેખાર ભાણેજ આમીર આલમ પાસે ધંધાનો હિસાબ માંગતા હતા, પરંતુ ભાણેજ હિસાબ આપવામાં આનાકાની કરતો હતો. આ બાબતને લઈને બંને વચ્ચે વિવાદ ચાલતો હતો.
ગત રવિવારે રાત્રે મામા-ભાણેજ રૂમ ઉપર સૂતા હતા. ત્યારે સોમવારે સવારે મો. ઇફ્તેખારે બોથડ પદાર્થ વડે ભાણેજ આમીરની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી મામાએ તેની લાશના અલગ અલગ ટુકડા કર્યા હતા, જેમાં માથું, ધડ, બંને પગ અને અન્ય અંગોનો સમાવેશ થાય છે. આ ટુકડાઓને પાંચ અલગ-અલગ થેલામાં પેક કર્યા હતા અને બાદમાં તે પાંચેય થેલા ભાઠેના ખાડીમાં ફેંકી દીધા હતા.
ભાઈઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ, શંકા જતા ફરિયાદ
હત્યા બાદ મો. ઇફ્તેખાર એકલો કારખાના પર ગયો હતો. ત્યાં આમીર આલમના અન્ય ભાઈઓએ તેના વિશે પૂછપરછ કરતાં મામાએ જણાવ્યું હતું કે આમીર બહારગામ ગયો છે અને રાતે આવી જશે. તેમણે ફોન કરવાની પણ ના પાડી હોવાનું જણાવ્યું હતું. આમીર આલમ અગાઉ પણ મોબાઈલ ફોન બંધ કરીને બહારગામ ગયો હોવાથી તેના ભાઈઓએ મામાની વાત માની લીધી હતી. જોકે, બે-ત્રણ દિવસ સુધી આમીર આલમ પરત ન ફરતા તેના ભાઈઓને શંકા ગઈ હતી. આખરે શુક્રવારે તેઓ મીસિંગની ફરિયાદ નોંધાવવા ઉધના પોલીસ મથકે પહોંચ્યા હતા.
પોલીસની પૂછપરછમાં મામાની કબૂલાત, લાશના ટુકડાની શોધખોળ
ઉધના પોલીસે તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે આમીર આલમ છેલ્લે તેના મામા મો. ઇફ્તેખાર સાથે હતો. પોલીસે મામા મો. ઇફ્તેખારની અટકાયત કરી ઉલટતપાસ કરતાં તેણે ભાણેજ આમીર આલમની હત્યા કરી અને લાશના પાંચ ટુકડા કરી થેલામાં પેક કરીને ભાઠેના ખાડીમાં ફેંકી દીધા હોવાની કબૂલાત કરી હતી.
આ કબૂલાત બાદ ઉધના પોલીસે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડે જીવનજ્યોતથી લગભગ દોઢ કિમી સુધીના વિસ્તારમાં ખાડીમાં લાશના ટુકડા સાથેના થેલા શોધ્યા હતા. જોકે, છ કલાકની સઘન શોધખોળ બાદ પણ થેલા મળી આવ્યા નહોતા અને ફાયર બ્રિગેડ પરત ફર્યું હતું.

